Get The App

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ : ટોચના ત્રણ રાજ્યોમાં ગુજરાત

Updated: Jun 30th, 2022

GS TEAM

Google News
Google News
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ : ટોચના ત્રણ રાજ્યોમાં ગુજરાત 1 - image

- બિઝનેસ રિફોર્મ્સ 2020ના અમલમાં પણ ગુજરાતનો ઉત્કૃષ્ટ દેખાવ : કેન્દ્ર

- હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉ. પ્રદેશ એચીવર્સ : આસામ, કેરળ, ગોવા એસ્પાયર કેટેગરીમાં

- રેન્કિંગ મારફત રોકાણકારોના વિશ્વાસને પ્રોત્સાહન આપવા તથા વેપાર માટે અનુકૂળ વાતાવરણ વધારવાનો આશય : ડીપીઆઈઆઈટી

- ટોચના ત્રણમાં આંધ્રપ્રદેશ અને તેલંગણા સામેલ

નવી દિલ્હી :  દેશમાં વેપાર કરવામાં સરળતાની બાબતમાં અને બિઝનેસ રિફોર્મ્સમાં ગુજરાતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને તેણે કેન્દ્ર સરકારના 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગમાં ટોચના અન્ય  બે રાજ્યોમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે તેમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન (બીઆરએપી) ૨૦૨૦ રિપોર્ટ લાગુ કરવાની બાબતમાં પણ ગુજરાતે ખૂબ જ સારો દેખાવ કર્યો છે.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના રેન્કિંગમાં હરિયાણા, કર્ણાટક, પંજાબ અને તામિલનાડુ ટોચના ૭ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. આ રેન્કિંગમાં હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશને પણ એચીવર્સના રૃપમાં વર્ગીકૃત કરાયા છે. આ રેન્કિંગની એસ્પાયર કેટેગરીમાં આસામ, કેરળ અને ગોવા સહિત સાત રાજ્યોનો સમાવેશ કરાયો છે. આ કેટેગરીમાં અન્ય રાજ્યોમાં છત્તિસગઢ, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

રિપોર્ટ મુજબ ઈમર્જિંગ બિઝનેસ ઈકોસિસ્ટમની કેટેગરીમાં દિલ્હી, પુડુચેરી અને ત્રિપુરા સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાખવામાં આવ્યા છે. આ કેટેગરીમાં અન્ય રાજ્યોમાં આંદામાન અને નિકોબાર, બિહાર, ચંડીગઢ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, જમ્મુ અને કાશ્મીર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન (બીઆરએપી)ના અમલીકરણનો આશય રોકાણકારોના વિશ્વાસને પ્રોત્સાહન આપવું, વેપાર માટે અનુકૂળ વાતાવરણ વધારવાનો છે. સાથે જ આ યોજનાના અમલીકરણમાં તેમના દેખાવના આધારે રાજ્યોના આકલનની વ્યવસ્થાના માધ્યમથી દેશભરમાં સ્વસ્થ પ્રતિસ્પર્ધા વધારવાની છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે આ બીઆરએપી અભ્યાસનો આશય એક-બીજાની સર્વોત્તમ પ્રથાઓ શીખવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. ભારત માટે દુનિયાભરમાં સૌથી પસંદગીના રોકાણ સ્થળના રૃપમાં ઊભરવા માટે એક એકીકૃત ઉદ્દેશ્ય સાથે પ્રત્યેક રાજ્યમાં વેપારનું વાતાવરણ સુધારવાનું છે. ૨૦૧૪માં શરૃ કરાયેલી પ્રક્રિયાએ ફળ આપવાનું શરૃ કરી દીધું છે. વેપાર કરવામાં ઘણી સરળતા થઈ ગઈ છે. કેટલાક ક્ષેત્રો, કેટલાક શહેરો અને કેટલાક વ્યવસાયો સુધી મર્યાદિત રહેવાના બદલે અમે આ પ્રતિસ્પર્ધી સંઘવાદની ભાવનાના માધ્યમથી આખા દેશમાં પ્રતિબિંબિત કરી રહ્યા છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે અગાઉની રેન્કિંગ વ્યવસ્થાને બદલીને આ વખતે કેટેગરી આધારિત રેન્કિંગ વ્યવસ્થા બનાવી છે, જેમાં ટોપ એચિવર્સ, એચિવર્સ, એસ્પાયર્સ અને ઈમર્જિંગ બિઝનેસ ઈકોસિસ્ટમ્સનો સમાવેશ થાય છે. 

બીઆરએપી ૨૦૨૦માં ૧૫ બિઝનેસ નિયમનકારી ક્ષેત્રોને આવરી લેતા ૩૦૧ સુધારાનો સમાવેશ થાય છે. રિફોર્મ્સ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા ૧૧૮ નવા સુધારા કરાયા છે. 

ટ્રેડ લાયન્સ, હેલ્થકેર, લીગલ મેટ્રોલોજી અને સિનેમા હોલ્સ જેવા નવ ક્ષેત્રોમાં ૭૨ એક્શન પોઈન્ટ્સ સાથે સેક્ટોરલ સુધારા કરવામાં આવ્યા છે તેમ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)ના સચિવ અનુરાગ જૈને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે રેન્કિંગમાં વિવિધ રાજ્યો વચ્ચે એકદમ નહીવત તફાવત હોવાથી તેમને વિવિધ કેટેગરીમાં મુકાયા છે.