ભૂકંપ મામલે ભારતની 59% જમીન સંવેદનશીલ : આ રાજ્યોમાં ધરતીકંપનો સૌથી વધુ ખતરો
ભારતના સિસ્મિક ઝોન નકશા મુજબ કુલ વિસ્તારમાં 4 સિસ્મિક ઝોન છે : ઝોન-5માં સૌથી વધુ ખતરો
દેશભરમાં રાષ્ટ્રીય સિસ્મિક નેટવર્ક છે, જેની 115 વેધશાળાઓ સિસ્મિક ગતિવિધિઓ પર નજર રાખે છે
નવી દિલ્હી, તા.07 ફેબ્રુઆરી-2023, મંગળવાર
તુર્કેઈ અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યાંના લોકોની મદદ કરવા અન્ય દેશો રાહત સામગ્રી મોકલી રહ્યા છે. જોકે આ તમામ બાબત વચ્ચે મનમાં એક પ્રશ્ન જરૂરથી આવે છે કે, ‘ભારત ભૂકંપ મામલે કેટલું સંવેદનશીલ છે ? સરકાર અનુસાર, ભારતની લગભગ 59 ટકા જમીન વિવિધ તીવ્રતાના ભૂકંપ માટે સંવેદનશીલ છે. 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શહેરો અને નગરો ઝોન-5માં છે અને અહીં સૌથી વધુ તીવ્રતાવાળા ભૂકંપનો ખતરો છે. એટલું જ નહીં રાષ્ટ્રીય રાજધાની પણ ઝોન-4માં છે, જે બીજા નંબરની ઊંચી શ્રેણી છે.
ઝોન-5 સૌથી વધુ ખતરનાક
વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જુલાઈ 2021માં લોકસભામાં માહિતી આપી હતી કે, દેશમાં આવેલા ભૂકંપના રેકોર્ડ કરેલા ઈતિહાસને ધ્યાનમાં લઈએ તો, ભારતની કુલ જમીનનો 59 ટકા ભાગ અલગ-અલગ ભૂકંપની સંભાવના ધરાવે છે. તેમણે કહ્યું કે, દેશના સિસ્મિક ઝોન નકશા મુજબ કુલ વિસ્તારને 4 સિસ્મિક ઝોનમાં વર્ગીકૃત કરાયો હતો. સૌથી મોટો ભૂકંપ ઝોન-5 ક્ષેત્રમાં આવે છે, જ્યારે સૌથી ઓછી તીવ્રતાવાળો ભૂકંપ ઝોન-2 છે. દેશનો લગભગ 11 ટકા વિસ્તાર ઝોન-5માં, 18 ટકા વિસ્તાર ઝોન-4માં, 30 ટકા વિસ્તાર ઝોન-3માં અને અન્ય બાકીનો વિસ્તાર ઝોન-2માં આવે છે.
આ રાજ્યોમાં ભૂકંપનો સૌથી વધુ ખતરો
ઝોન-5માં શહેરો અને નગરોવાળા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર, અસમ, મણિપુર, નાગાલેન્ડ, જમ્મુ અને કાશ્મીર તેમજ અંદામાન અને નિકોબાર આવે છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી એ દેશમાં અને આસપાસ ભૂકંપ પર નજર રાખનારી નોડલ સરકારી એજન્સી છે. દેશભરમાં રાષ્ટ્રીય સિસ્મિક નેટવર્ક છે. આ નેટવર્કમાં હેઠળ સિસ્મિક ગતિવિધિઓ પર નજર રાખતી 115 વેધશાળાઓ સામેલ છે.
હિમાલયમાં જોખમ
મધ્ય હિમાલય ક્ષેત્ર વિશ્વમાં સક્રિય ભૂકંપ આવતા ક્ષેત્રમાંથી એક છે. 1905માં હિમાચલના કાંગડામાં મોટો ભૂકંપ આવ્યો હતો. 1934માં બિહાર-નેપાળમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા 10 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. 1991માં ઉત્તરકાશીમાં 6.8ની તીવ્રતાના ભૂકંપમાં 800થી વધુ લોકોનો મોત નિપજ્યા હદતા. 2005માં કાશ્મીરમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા 80 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.