જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો, શરીરના 3 ટુકડાં થયા

Jaipur Accident : રાજસ્થાનમાં જયપુરના હરમાડામાં થયેલા ભયાનક ડમ્પર અકસ્માતની ઘટના હજુ તાજી જ છે, ત્યાં બજરી માફિયાઓના ડમ્પરનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે જયપુર-ભીલવાડા મેગા હાઈવે પર ફરી એકવાર એવું જ હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે રેતી ભરેલા એક બેફામ ડમ્પરે રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવકને કચડી નાખ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર યુવકને 100 મીટર સુધી ઘસડી ગયું, જેના કારણે મૃતકના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા.
બેફામ ડમ્પર ચાલકો મોત બનીને ફરી રહ્યા છે...
આ ઘટના ફાગી કોર્ટની સામે બની હતી. અહીં લદાણા ગામનો રહેવાસી ગણેશ માળી નામનો યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે મોત બનીને આવેલા ડમ્પરે તેને પોતાની અડફેટમાં લઈ લીધો. ડમ્પરની નીચે આવી જતાં યુવકનું શરીર ખરાબ રીતે છુંદાઈ ગયું હતું. લોકો મદદ માટે દોડ્યા, પરંતુ ત્યાં સુધીમાં ગણેશનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સ્થાનિક લોકોએ ડમ્પરને રોકીને ડ્રાઇવરને પકડી લીધો, જે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ફાગી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને હોસ્પિટલ મોકલ્યો અને આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી ડમ્પર જપ્ત કરી લીધું.
એક જ દિવસમાં બીજી ઘટના
બુધવારે સાંજે જ જયપુરના સિરસી ગામમાં પણ એક નશામાં ધૂત ડમ્પર ચાલકે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે, ત્યાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. લોકોએ જ્યારે ડ્રાઇવરને પકડ્યો, તો તે પણ નશાની હાલતમાં હતો અને તેના ડમ્પરમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
બે દિવસ પહેલાં જ 24 લોકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, માત્ર બે દિવસ પહેલાં જ જયપુરના હરમાડા વિસ્તારમાં એક ડમ્પર ચાલકે, જે પણ નશામાં હતો, એક કાર સહિત કુલ પાંચ વાહનોને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 24 લોકોના મોત થયા હતા અને લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. આટલી મોટી દુર્ઘટના છતાં, રસ્તાઓ પર ડમ્પરોનો આતંક યથાવત છે, જે તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

