દુબઈમાં ભારતના ગેંગસ્ટર્સની પહેલી ગેંગવોર! બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુની હત્યાનો દાવો

Dubai First Gangwar: કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા સાથે જોડાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરાયેલી પોસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે દુબઈમાં ભારતીય ગેંગસ્ટરો વચ્ચે કથિત રીતે પહેલીવાર ગેંગવોર થઈ છે, જેના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા છે. આ પોસ્ટમાં ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુ ઉર્ફે સિપ્પાની હત્યાની જવાબદારી લેવામાં આવી છે.
પોસ્ટમાં ઉલ્લેખ છે કે દુબઈમાં જોરા સિદ્ધુનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. આરોપ મુજબ, સિદ્ધુ બિશ્નોઈના નિર્દેશ પર ગેંગના હેન્ડલર તરીકે કામ કરતો હતો અને દુબઈમાં બેસીને કેનેડા તેમજ અમેરિકામાં અનેક લોકોને ધમકીઓ આપતો હતો. પોસ્ટમાં દાવો કરાયો છે કે આ 'બદલો' લેવામાં આવ્યો છે કારણ કે સિદ્ધુએ અગાઉ જર્મનીમાં ગોદારાના એક સાથીની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
સોશિયલ મીડિયા પોસ્ટમાં શું છે?
પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે 'દુબઈમાં લૉરેન્સના નજીકના જોરા સિદ્ધુ (સિપ્પા)નું આજે ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે અને આ કામ અમારા દ્વારા કરાવવામાં આવ્યું છે.' પોસ્ટ દ્વારા ધમકી આપવામાં આવી છે કે, 'દુબઈમાં બેસીને કેનેડા અને અમેરિકામાં ધમકીઓ આપનારા સિદ્ધુની હત્યા સાબિત કરે છે કે જે લોકો દુબઈને સુરક્ષિત ગણે છે, તેમણે સમજી લેવું જોઈએ કે જો તેઓ તેમના દુશ્મન હોય, તો દુનિયામાં ક્યાંય પણ સુરક્ષિત નથી.'
આગળની પોસ્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે 'પોલીસ ભલે દરેક જગ્યાએ ન પહોંચી શકે, પણ અમે પહોંચીશું અને જે કોઈ વિરોધ કરશે, તેણે તૈયાર રહેવું પડશે.' જોકે, આ કથિત હત્યાની દુબઈ પોલીસે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.'
આ પણ વાંચો: પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર બંધ... જાણો હવે શું છે માંગ
ભારતીય સુરક્ષા એજન્સીઓની નજર
ઘણા સુરક્ષા નિષ્ણાતોના મતે, દુબઈ જેવા અત્યંત દેખરેખવાળા શહેરમાં આવી ઘટના બનવી અસામાન્ય ગણાય છે, તેથી સત્તાવાર પુષ્ટિની રાહ જોવી જરૂરી છે. તેમજ ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ આ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે. જોકે, દુબઈ પોલીસ તરફથી જ્યાં સુધી કોઈ સ્પષ્ટ માહિતી ન મળે ત્યાં સુધી, આ કેસ માત્ર સોશિયલ મીડિયાના દાવાઓ પર આધારિત માનવામાં આવશે.

