28 કરોડ યુઝર્સ અને 9,600 કરોડની આવકવાળી ડ્રીમ-11ના પાટિયા પડવાની તૈયારી !
- ડ્રીમ ઇલેવને રીયલ મની ગેમ્સનો કારોબાર સમેટવા માંડયો
- કંપનીના સ્થાપક અને સીઇઓ હર્ષ જૈને કર્મચારીઓને લેખિતમાં સરકારી કાયદાના લીધે સર્જાયેલી સ્થિતિ જણાવી
નવી દિલ્હી : સરકારે ઓનલાઇન ગેમિંગ બિલ લોકસભામાં પસાર કરી દીધું. આના લીધે ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે. તેના કારણે ખાસ કરીને રીયલ મની ગેમ્સના કારોબાર સાથે જોડાયેલી કંપનીઓ રીતસરની ધુ્રજી ગઈ છે તેનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે આ સેક્ટરની ટોચની કંપની ડ્રીમ ઇલેવને તેનો કારાબોર સમેટવાની તૈયારી કરી લીધી છે.
ઓનલાઇન મની ગેમ્સ પરના પ્રતિબંધના બિલને સંસદમાં મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી તે કાયદો બનશે. આના પગલે ઓનલાઇન ગેમિંગ સાથે જોડાયેલી કંપની ડ્રીમ ઇલેવને તેના રીયલ મની ગેમિંગ યુનિટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જાણકાર સૂત્રોની મળેલી વિગત મુજબ ડ્રીમ ઇલેવન પોતાના ગેમિંગ ભિઝનેસને બંધ કરી રહ્યો છે. તેનું કારણ એ છે કે સરકારનો નવો નિયમ ઓનલાઇન ગેમ્સ પર કાયદાકીય રીતે પ્રતિબંધ લગાવે છે. આના પગલે ડ્રીમ-૧૧ના પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ ૨૮ કરોડથી વધુ યુઝર્સને આંચકો લાગ્યો છે.
ંફેન્ટસી ગેમિંગ કંપની ડ્રીમ-૧૧ ૨૦૦૮માં શરૂ થઈ હતી. તેના સ્થાપક હર્ષ જૈન અને ભાવિત શેઠ છે. આ પ્લેટફોર્મને જબરદસ્ત લોકપ્રિયતા સાંપડી છે અને ૨૮ કરોડથી વધુ યુઝરે બેઝ ધરાવે છે. જો કમાણીની વાત કરીએ તો નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં તેની કમાણી રુ. ૯,૬૦૦ કરોડ હતી. અહેવાલ મુજબ જોઈએ તો તેની ૯૦ ટકા આવક રીયલ મની કોન્ટેસ્ટમાંથી જ આવે છે. તેમા ક્રિકેટ સાથે જોડાયેલી ગેમ્સનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો.
ડ્રીમ સ્પોર્ટ્સના સીઇઓ હર્ષ જૈને એક ઇન્ટર્નલ નોટમાં પ્લેટફોર્મ આધારિત રીયલ મની ગેમ્સ યુનિટ સાથે જોડાયેલા કર્મચારીઓને જણાવ્યું કે નવો કાયદો અમલમાં આવતા ડ્રીમ ૧૧ પાસે ચૂકવણી આધારિત ગેમ્સને ચાલુ રાખવાનો કોઈ રસ્તો નથી. કંપનીએ આ અંગે તેના કાયમી અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને બદલાયેલી સ્થિતિ અંગે જણાવી દીધું છે. ડ્રીમ-૧૧નું મૂલ્ય એક સમયે ૮ અબજ ડોલર પર પહોંચી હતું. તેને જાણીતા વેન્ચર કેપિટલિસ્ટોનું સમર્થન છે.