4 વોટ ક્યાંથી આવ્યાં? જમ્મુ-કાશ્મીર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સામે લાગ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ

BJP and jammu Kashmir Rajya Sabha Election news : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ (NC)ને ત્રણ બેઠકો પર જીત મળી છે, જ્યારે એક બેઠક ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાળે ગઈ છે. જોકે, ભાજપની આ એક બેઠક પરની જીતે મોટા વિવાદને જન્મ આપ્યો છે, કારણ કે ભાજપ પાસે માત્ર 28 ધારાસભ્યો હોવા છતાં તેના ઉમેદવારને 32 મત મળ્યા હતા.
 
ઓમર અબ્દુલ્લાએ લગાવ્યો દગાખોરીનો આરોપ
ભાજપના ઉમેદવાર સત શર્માને મળેલા ચાર વધારાના મત પર સવાલ ઉઠાવતા, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "નેશનલ કોન્ફરન્સના તમામ વોટ અકબંધ રહ્યા. તો પછી ભાજપને ચાર વધારાના મત ક્યાંથી મળ્યા? કેટલાક ધારાસભ્યોએ અમને મત આપવાનું વચન આપ્યા પછી, જાણીજોઈને ખોટી રીતે મત આપીને પોતાના મત રદ કરાવ્યા જેથી ભાજપને મદદ મળી શકે. શું તેમનામાં આ વાત સ્વીકારવાની હિંમત છે?"
ભાજપ સામે હોર્સ ટ્રેડિંગનો આરોપ
NCના હારેલા ઉમેદવાર ઈમરાન નબી ડારે પણ ભાજપ પર હોર્સ-ટ્રેડિંગનો સીધો આરોપ લગાવતા કહ્યું કે, "ભાજપ પાસે પૂરતા નંબર નહોતા. તેમના 28 ધારાસભ્યો છે, તો તેમને 32 મત કેવી રીતે મળ્યા? તે સ્પષ્ટ છે કે હોર્સ-ટ્રેડિંગ થયું છે."
ભાજપે કહ્યું - 'આ અંતરાત્માનો અવાજ છે'
બીજી તરફ, પોતાની જીત બાદ ભાજપના ઉમેદવાર સત શર્માએ કહ્યું, "અમારી પાસે 28 ધારાસભ્યો છે, પરંતુ અન્ય ચાર ધારાસભ્યોએ પણ પોતાના અંતરાત્માના અવાજ પર અમને મત આપ્યો. શું અંતરાત્માનો અવાજ સાંભળવો ખોટું છે?"
સજ્જાદ લોને NCની રણનીતિ પર ઉઠાવ્યા સવાલ
આ સમગ્ર મામલે, ચૂંટણીથી દૂર રહેલા નેતા સજ્જાદ લોને નેશનલ કોન્ફરન્સની રણનીતિ પર જ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ હોર્સ-ટ્રેડિંગ નહીં, પરંતુ NCની નબળી રણનીતિનું પરિણામ છે. તેમણે ગણિત સમજાવતા કહ્યું કે જો NCએ યોગ્ય રીતે વોટનું વિભાજન કર્યું હોત, તો તે સરળતાથી ચોથી બેઠક પણ જીતી શકતી હતી. તેમના મતે, NCએ પોતાના ત્રીજા ઉમેદવારને ઓછા મત અપાવીને ચોથા ઉમેદવાર માટે વધુ મત બચાવવાની જરૂર હતી, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા.


