'દિતવા' અને 'સેન્યાર' વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Ditwah Cyclone LIVE : દક્ષિણ ભારતના રાજ્યો પર એકસાથે બે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુરુવારે વધુ મજબૂત બનીને 'દિતવા' (Ditwah) વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. બીજી તરફ, નબળું પડી રહેલું 'સેન્યાર' (Senyar) વાવાઝોડું પણ 'દિતવા' સાથે મળીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે આ બેવડા ખતરાને જોતાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ માટે પ્રી-સાયક્લોન એલર્ટ જાહેર કર્યું છે.
તમિલનાડુથી તેલંગાણા સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ (IMD) અનુસાર, આ બંને વાવાઝોડાની સંયુક્ત અસરને કારણે દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે:
તમિલનાડુ: 27 થી 30 નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. 28 અને 29 નવેમ્બરે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે.
દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમા: 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને 30 નવેમ્બરે અત્યંત ભારે વરસાદની આશંકા છે.
કેરળ: 27 થી 29 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ કર્ણાટક: 29 નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે તેલંગાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
'દિતવા' અને 'સેન્યાર' કેવી રીતે ખતરો બની રહ્યા છે?
'દિતવા' વાવાઝોડું હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં તે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચશે. બીજી તરફ, 'સેન્યાર' વાવાઝોડું નબળું પડીને મલક્કા સ્ટ્રેટ પાસે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, પરંતુ તેનું ભેજવાળું તંત્ર 'દિતવા'ને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેના કારણે વરસાદની તીવ્રતા વધવાની આશંકા છે.
શ્રીલંકામાં વાવાઝોડાની વિનાશક અસર
આ જ લો-પ્રેશર સિસ્ટમને કારણે શ્રીલંકામાં ભારે તબાહી સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. શ્રીલંકાના સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે શ્રીલંકા આવતી ફ્લાઇટ્સને ભારતના ત્રિવેન્દ્રમ અથવા કોચીન એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી શકે છે. શ્રીલંકાની આ સ્થિતિ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો માટે એક ગંભીર ચેતવણી સમાન છે.

