India

દિલ્હીમાં બધુ બંધ ના કરશો, માખી મારવા હથોડો ના વપરાય : સુપ્રીમ

By GS Team
10 Oct 20263 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 10મી ઓક્ટોબરે આંદોલન પૂર્વે કિલ્લેબંધી વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ટકોર કરી હતી. કોર્ટે કહ્યું કે તમામ મેટ્રો અને ટ્રેનો બંધ ના કરશો, તેનાથી સામાન્ય નાગરિકોને હાલાકી પડશે. બધા પાસે કાર નથી હોતી, વિદ્યાર્થીઓ-વૃદ્ધો પબ્લિક ટ્રાન્સપોર્ટ પર નિર્ભર છે. સુપ્રીમે માખી મારવા હથોડાનો ઉપયોગ ન કરવાની ટકોર કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં બધુ બંધ ના કરશો, માખી મારવા હથોડો ના વપરાય : સુપ્રીમ
  • આમ નાગરિકોને હાલાકી ના પડવી જોઇએ : સુપ્રીમની કેન્દ્રને ટકોર
  • તમામ પાસે કાર નથી હોતી, વિદ્યાર્થીઓ, વૃદ્ધો, કર્મચારીઓ સહિત અનેક પબ્લિક ટ્રાન્સપોર્ટ પર નિર્ભર : સુપ્રીમ

નવી દિલ્હી : દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી, વિપક્ષ અને વિદ્યાર્થી સંગઠનોના ૧૦મી ઓક્ટોબરના આંદોલન પહેલા નવી દિલ્હીમાં કિલ્લેબંધી કરી લેવામાં આવી છે. આકરા પ્રતિબંધો વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ કર્યો છે, સુપ્રીમે કેન્દ્ર સરકારને કહ્યું છે કે દિલ્હીમાં તમામ મેટ્રો અને અન્ય ટ્રેનોને બંધ ના કરશો. તેનાથી નાગરિકોને હાલાકી પડશે, કેટલાક પ્રતિબંધો સાથે પણ વાહન વ્યવહાર યથાવત રાખી શકાય. માખીને મારવા માટે હથોડાનો ઉપયોગ ના કરવો જોઇએ.
૧૦મી ઓક્ટોબરના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને કાર્યવાહીની માગ સાથે દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી, વિપક્ષે આંદોલનની જાહેરાત કરી હતી. જે પહેલા જ પ્રશાસને દિલ્હીમાં આશરે ૫૭ જેટલા મેટ્રો સ્ટેશનો બંધ કરવા, નવી દિલ્હીમાં ટ્રેન વ્યવહાર અટકાવવો સહિતની તૈયારી કરી લીધી છે. આંદોલનની પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી એવામાં સુપ્રીમમાં આ તમામ મુદ્દે થયેલી અરજીની સુનાવણીને લઇને મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વી. મોહનાની બેંચે કેન્દ્રને કહ્યું હતું કે જો જંતર મંતર પર વિરોધ પ્રદર્શનો યોજી શકાય તેમ ના હોય તો પ્રદર્શનકારીઓ માટે અલગ જગ્યા ફાળવવી જોઇએ.
બાદમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકાર આ અંગે વિચારશે. સુનાવણી દરમિયાન સીજેપી, યુથ કોંગ્રેસને જંતર મંતર પર મંજૂરી આપવામાં ના આવી હોવાનો મુદ્દો ઉઠાવાયો હતો જે બાદ મુખ્ય ન્યાયાધીશની બેંચે જંતર મંતર સિવાય અન્ય કોઇ સ્થળ ફાળવવાની સલાહ આપી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે ૧૦મી ઓક્ટોબરના દિલ્હીમાં સંપૂર્ણ પ્રતિબંધો લાગુ કરવામાં ના આવે તેની ખાતરી રાખવામાં આવે. બધુ જ થંભાવી ના શકાય. એજન્સીઓ અને પ્રશાસનને કાર્યવાહીનો અધિકાર છે. સાથે જ નાગરિકો પણ પરેશાન ના થાય તેની તકેદારી પણ રાખવી જોઇએ. જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સંપૂર્ણ પ્રતિબંધ અને કેટલાક રેગ્યુલેશન વચ્ચે અંતર હોય છે.
જોકે અનેક મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાને સંપૂર્ણ રીતે બંધ કરી દેવા અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે માખીને મારવા માટે હથોડાનો ઉપયોગ ના કરવાનો હોય. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, સીનિયર સિટિઝન મેટ્રોનો ઉપયોગ કરે છે. તેમના વતી અમે આ કહી રહ્યા છીએ. તમામ લોકો પાસે કારની વ્યવસ્થા ના હોય, તમામ લોકો ખાનગી ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની ક્ષમતા નથી ધરાવતા, લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ પર નિર્ભર છે. બીજી તરફ દિલ્હી હાઇકોર્ટે ઇન્ડિયન યુથ કોંગ્રેસને હાલમાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શનો કરવાની તાત્કાલીક છૂટ આપવાની માગ કરતી અરજીમાં હાલ રાહત આપવાની ના પાડી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે આ અરજીની ઇમર્જન્સીમાં સુનાવણીની શું જરૂર છે? અમે આ અંગે સોમવારે વીચારીશું. શનિવારે વિરોધ પ્રદર્શનો હોવાની અરજદારોએ દલીલ કરી હતી જે બાદ હાઇકોર્ટે આ જવાબ આપ્યો હતો.