ઉદયપુરમાં હાઈ પ્રોફાઈલ વેડીંગમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર હાજર રહેશે

- ઉદયપુરમાં 19મીથી જ લોખંડી બંદોબસ્ત
- ભારતના અનેક રાજકારણીઓ, સેલિબ્રિટીઝ વગેરે નવે. 21-22ના દિને યોજાનાર આ સમારંભમાં હાજર રહેશે
ઉદયપુર : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપારી પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ (જુનિયર) અહીં યોજાનારા ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેવાના છે. ઇન્ડીયન -અમેરિકન યુગલના આ લગ્ન સમારંભ પહેલા ભારતીય પોલીસની સાથે અમેરિકાના પણ સિકયુરીટીઝ ગાર્ડઝ કાર્યરત થઈ ગયા છે. અને લગ્નસમારંભ જ્યાં યોજાવાનો છે તે જલ-મંદિર વિસ્તારના ખુણેખુણાની તપાસ શરૂ કરી દીધી છે.
પત્રકારોને આ માહિતી આપતાં પોલીસ જણાવે છે કે, લેઈક-સીટી તરીકે ઓળખાતા આ શહેરનાં વિશાળ સરોવર લેઇક-પીછોલ સ્થિત પેલેસમાં લગ્ન-સમારંભ યોજાવાનો છે.
નવેમ્બરની ૨૧મી તારીખે ત્યાં લગ્ન વિધિ થશે. પછી નવેમ્બરની ૨૨મીએ સીટી પેલેસના માણેક-ચોકમાં લગ્ન સંબંધી ઉત્સવનું આયોજન કરાયું છે.
આ સમારંભ પહેલા જ પોલીસે સમગ્ર શહેરમાં સખત મજબૂત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમ સુપ્રિટેન્ડન્ટ ઓફ પેલેસ યોગેશ ગોયેલે જણાવ્યું હતું.
ટ્રમ્પ જુનિયર હોટેલ લીલા પેલેસમાં ઉતરવાના છે.
તારીખ ૧૯મીથી જ સમગ્ર ઉદયપુર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરાઈ ગયો છે. એરપોર્ટથી લેઇક પીછોલા સુધીના માર્ગ ઉપર થોડા થોડા અંતરે સશસ્ત્ર પોલીસને સલામતીની જવાબદારી સોંપાઈ ગઈ છે.
સીટી ઓફ લેઇક્સ તરીકે જાણીતા ઉદયપુરમાં લકઝુરીયસ હેરિટેજ હોટેલ્સ છે. પેલેસીસ છે, ફોર્ટસ છે. ઉત્સવો માટે તે શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. તેમજ લગ્ન સમારંભો માટે પણ તે શ્રેષ્ઠ ગણાય છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, રવીના ટંડન, નીલ નીતીશ મુકેશ તથા હાર્દિક પંડયાના લગ્નો અહીં જ યોજાયા હતા. અબજોપતિ મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીનું લગ્ન પણ અહીં યોજાયું હતું.

