Donald Trump On PM Modi Friendship And India-US Trade Deal : સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF-2026)ને સંબોધિત કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધો અને વેપાર કરાર અંગે મોટું નિવેદન આપ્યું છે. ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને પોતાના શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યા હતા.
પીએમ મોદી માટે ઘણું સન્માન: ટ્રમ્પ
ટ્રમ્પે ટ્રેડ ડીલ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મારા મનમાં ઘણું સન્માન છે. તેઓ એક શ્રેષ્ઠ વ્યક્તિ છે અને મારા મિત્ર છે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક શાનદાર ટ્રેડ ડીલ થવા જઈ રહી છે.’ ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી વ્યાપારિક મડાગાંઠ ઉકેલાવાની આશા જાગી છે.
ટેરિફ વિવાદ વચ્ચે વાતચીતનો દોર તેજ
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર ટેરિફ વધારીને 50 ટકા કરી દીધો હતો, જે વિશ્વમાં સૌથી ઊંચા ટેરિફ દરોમાંનો એક છે. આ ઉપરાંત રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેક્સ પણ લાદવામાં આવ્યો હતો. જોકે, હવે સ્થિતિ સુધરી રહી હોય તેમ જણાય છે. ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યો છે કે, બંને દેશો વેપાર મુદ્દે સક્રિય ચર્ચા કરી રહ્યા છે અને આગામી મહત્વની બેઠક આવતીકાલે જ યોજાવાની છે.
ટ્રમ્પના સકારાત્મક વલણ બાદ હવે સૌની નજર આવતીકાલે યોજાનારી વ્યાપાર વાટાઘાટો પર છે, જેમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે.
ફોરમમાં ભાષણ દરમિયાન ટ્રમ્પે યુરોપ પર સાધ્યું નિશાન
આ પહેલા ટ્રમ્પે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, ‘અહીં ઘણા બધા બિઝનેસ લીડર્સ છે, ઘણા બધા મિત્રો છે, ઘણા બધા દુશ્મનો છે, અને બધા સન્માનિત મહેમાનો છે. મને યુરોપથી પ્રેમ છે, પણ તે સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી, યુરોપમાં કેટલાય એવા વિસ્તારો છે, જે હાલમાં ઓળખાતા પણ નથી, આપણને અનુસરીને દુનિયા વિનાશના માર્ગથી બચી શકે છે. મેં ઘણા દેશોના વિનાશ થતા જોયા છે. યુરોપમાં મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે. તેઓ હજુ સુધી તેના સંભવિત પરિણામો સમજી શક્યા નથી. યુરોપિયન યુનિયને મારી સરકાર પાસેથી શીખવું જોઈએ.’
ટ્રમ્પે પોતાના કર્યા વખાણ
ટ્રમ્પે સંબોધનમાં એવું પણ કહ્યું કે, ‘જ્યારથી મેં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, ત્યારથી દેશમાં ફુગાવો સતત ઘટી રહ્યો છે. યુએસ સ્ટોક એક્સચેન્જ અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે છે. મારા કાર્યકાળ દરમિયાન, દેશમાં રોકાણ 18 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે. અમેરિકા વિશ્વની આર્થિક રાજધાની છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે ટ્રમ્પની ટેરિફ નીતિને સાચી ઠેરવી છે.’ આ સાથે જ WEFના વૈશ્વિક મંચ પરથી ટ્રમ્પે દાવો કર્યો કે વેનેઝુએલા હુમલા બાદ ડીલ માટે તૈયાર થઈ ગયું છે.
ગ્રીનલેન્ડ અંગે ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે ગ્રીનલૅન્ડને અંગે કહ્યું હતું કે, ‘તે એક ખૂબસૂરત ટુકડો છે, હું ગ્રીનલૅન્ડ અને ડેનમાર્કના લોકોનું સન્માન કરું છું. અમે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ગ્રીનલૅન્ડની મદદ કરી હતી. ગ્રીનલૅન્ડની સુરક્ષા અમારા સિવાય કોઈ પણ દેશ નહીં કરી શકે, અમેરિકા જ માત્ર ગ્રીનલૅન્ડને બચાવી શકે છે. અમે બીજા વિશ્વ યુદ્ધમાં ગ્રીનલૅન્ડને બચાવ્યું હતું, અમે મૂર્ખ હતા કે ત્યારે ગ્રીનલૅન્ડને અમે પરત કરી દીધું, અમેરિકા પાસે હવે સૌથી વધુ મિલટરી પાવર છે. હું તેનો ઉપયોગ કરવા માંગતો નથી, અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલૅન્ડની જરૂર છે.’


