ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ
India-Russia Friendship: ભારત અને રશિયા વચ્ચે મજબૂત સંબંધોથી અમેરિકા અને NATO દેશ પરેશાન છે. યુક્રેન યુદ્ધમાં અટવાયેલા પશ્ચિમી દેશ ઈચ્છે છે કે ભારત રશિયા સાથે સંબંધો તોડી નાખે, પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તેમની નીતિ રાષ્ટ્રીય હિતના અનુસાર જ ચાલશે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, એક ભારતીય કંપનીએ ડિસેમ્બરમાં રશિયાને અંદાજિત 14 લાખ ડોલરનું HMX અથવા Octogen વિસ્ફોટક કમ્પાઉન્ડ મોકલ્યું, જેનો ઉપયોગ સૈન્ય કામગીરીમાં થઈ શકે છે. યુક્રેનની ગુપ્તચર એજન્સીનું કહેવું છે કે, આ સામાન રશિયાની Promsintez કંપનીને અપાયું, જેના પર યુક્રેનની સેના પહેલા ડ્રોન હુમલા પણ કરી ચૂકી છે.
આ રિપોર્ટ બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક ખાનગી ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ભારત અમારું રણનીતિક ભાગીદાર છે, પરંતુ અમે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ વિદેશી કંપની કે બેંક જો રશિયન રક્ષા ઉદ્યોગની સાથે બિઝનેસ કરશે તો તેના પર અમેરિકન પ્રતિબંધ લાગી શકે છે. એટલું જ નહીં, અમેરિકામાં ટ્રમ્પના નજીકના સીનેટર લિંડ્સે ગ્રાહમે એક બિલ રજૂ કર્યું છે જેમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપવામાં આવી છે. ટ્રમ્પ પહેલા પણ કહી ચૂક્યા છે કે જો પુતિને સપ્ટેમ્બર સુધી યુક્રેન યુદ્ધ ખતમ ન કર્યું તો રશિયા પાસેથી ઓઇલ લેનારા દેશોને આટલી કિંમત ચૂકવવી પડશે. તેની સીધી અસર ભારત અને ચીન પર પડી શકે છે.
NATO અને અમેરિકાની આ ધમકી પર ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, રશિયા સાથે દોસ્તી ખતમ નહીં થાય. લંડનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું કે, 'કોઈ પણ દેશ ભારતની અર્થવ્યવસ્થાને સ્વિચ ઓફ ન કરી શકે. જે દેશ આપણા પર આંગળી ઉઠાવી રહ્યા છે, તે રશિયા સાથે રેર અર્થ અને બીજી વસ્તુઓ ખરીદી રહ્યા છે.'
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓઈલ ખરીદનારો દેશ છે અને સોવિયત કાળથી રશિયા પાસેથી હથિયાર લેતું આવી રહ્યું છે. આ વર્ષે રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસની પણ તૈયારી છે, આ દરમિયાન કેટલાક મહત્ત્વના કરાર થવાની શક્યતાઓ છે.
યુક્રેન યુદ્ધ બાદથી જ અમેરિકા અને યુરોપિય દેશ ઇચ્છે છે કે રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે વિખૂટું કરી નાખવામાં આવે. પરંતુ ભારતે વારંવાર કહ્યું કે, તે પોતાની ઉર્જા જરૂરિયાતો અને રક્ષા હિતોને નજરઅંદાજ ન કરી શકે. વડાપ્રધાન મોદીએ પુતિનને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, આ યુદ્ધનો સમય નથી, પરંતુ રશિયા સાથે દોસ્તી પણ ખતમ નહીં થાય. ભારતે ન તો રશિયા પાસેથી હથિયારો ખરીદવાનું બંધ કર્યું, ન ઓઇલ લેવાનું અને હવે વિસ્ફોટક કરારના આરોપથી પણ પાછળ નથી હટી રહ્યું. પશ્ચિમી દેશોની ધમકી અને દબાણ છતાં ભારતે ફરી બતાવી દીધું કે 'આપણી નીતિ આપણા હિત નક્કી કરશે, કોઈ બીજાનું દબાણ નથી.'