રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- 'મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા'
Donald Trump Big Statement: ગત દિવસોમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડેડ ઇકોનોમી વાળા નિવેદન પર રશિયાએ ચેતવણી આપી હતી. રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ટ્રમ્પને એજ ભાષામાં જવાબ આપતા 'ડેડ હેન્ડ'ની યાદ અપાવી હતી. તેમણે કહ્યું હતું કે, 'ટ્રમ્પ જેમને ડેડ (મૃત) કહી રહ્યા છે તેમનાથી થનારા ખતરાઓને તેમને નજરઅંદાજ ન કરવા જોઈએ.' જો કે, મેદવેદેવના આ નિવેદન બાદ ટ્રમ્પ ભડકી ગયા છે. ટ્રમ્પે આ નિવેદનને ગંભીરતાથી લઈને બ પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપી દીધા છે. જે અંગે તેમણે ખૂદ વાત કરી છે.
મેં બે પરમાણુ સબમરીનને યોગ્ય પ્રદેશોમાં તૈનાત કરવાનો આદેશ આપ્યો: ટ્રમ્પ
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ જે હવે રશિયન ફેડરેશનની સિક્યોરિટી કાઉન્સિલના ઉપાધ્યક્ષ છે, તેમના અત્યંત ઉશ્કેરણીજનક નિવેદનોના આધારે મેં બે પરમાણુ સબમરીનને યોગ્ય પ્રદેશોમાં તૈનાત કરવાનો આદેશ આપ્યો છે, જેથી આવા મૂર્ખામીભર્યા અને ઉશ્કેરણીજનક નિવેદનો ન આપવામાં આવે. શબ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, અને ઘણીવાર અણધાર્યા પરિણામો તરફ દોરી શકે છે, તો મને આશા છે કે આવું નહીં થાય. આ બાબત પર તમારા ધ્યાન આપવા બદલ આભાર!'
રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં 1 લાખથી વધુ સૈનિક ગુમાવ્યા: ટ્રમ્પ
ટ્રમ્પે અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, 'મને હમણાં જ જાણ કરવામાં આવી છે કે યુક્રેન સાથેના કારણ વગરના યુદ્ધમાં આ મહિને લગભગ 20,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. રશિયાએ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 1,12,500 સૈનિકો ગુમાવ્યા છે. તે ખૂબ જ બિનજરૂરી મૃત્યુ છે! જોકે, યુક્રેને પણ ઘણું નુકસાન સહન કર્યું છે. 1 જાન્યુઆરી, 2025 થી તેઓએ લગભગ 8,000 સૈનિકો ગુમાવ્યા છે, અને તે સંખ્યામાં તેમના ગુમ થયાનો સમાવેશ થતો નથી. યુક્રેને નાગરિકો પણ ગુમાવ્યા છે, પરંતુ ઓછી સંખ્યામાં કારણ કે રશિયન રોકેટ કિવ અને અન્ય યુક્રેનિયન સ્થળો પર અથડાયા છે. આ એક એવું યુદ્ધ છે જે ક્યારેય ન થવું જોઈતું હતું. આ બિડેનનું યુદ્ધ છે, "ટ્રમ્પનું" નહીં. હું ફક્ત એ જોવા માટે અહીં છું કે શું હું તેને રોકી શકું છું!'
રશિયાની ઇકોનોમી અંગે ટ્રમ્પે શું કહ્યું હતું?
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'મને ચિંતા નથી કે ભારત, રશિયા સાથે શું કરે છે. તે એક સાથે પોતાની ડેડ ઇકોનોમીમાં ડૂબી શકે છે, મને કોઈ ફરક નથી પડતો. અમે ભારત સાથે ખૂબ ઓછો વેપાર કર્યો છે, તેનો ટેક્સ ખૂબ વધુ છે.'
ટ્રમ્પના નિવેદન પર રશિયાએ શું કહ્યું હતું?
ગઈકાલે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે અમેરિકન પ્રમુખને રશિયન ન્યૂક્લિયર પાવરની યાદ અપાવી દીધી હતી. મેદવેદેવે ટેલીગ્રામ ચેનલ પર લખ્યું હતું કે, 'જો મારા શબ્દોથી ટ્રમ્પને એટલો ડર લાગી રહ્યો છે તો તેનો મતલબ છે કે રશિયા યોગ્ય દિશામાં છે. રશિયા પોતાના રસ્તા પર આગળ વધી રહ્યું છે.'
ટ્રમ્પના ભારત અને રશિયાને ડેડ ઇકોનોમી કહેવા પર દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, 'અમેરિકન પ્રમુખે ધ વોકિંગ ડેડ પર પોતાની પસંદગીની ફિલ્મો યાદ કરવી જોઈએ. તેમને યાદ રાખવું જોઈએ કે ડેડ હેન્ડ કેટલો ખતરનાક હોઈ શકે છે.'