Donald Trump Tariffs: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ‘ટેરિફનો કિંગ’ કહી ગઈકાલે 25 ટકા ડ્યુટી લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ આંકડા કંઈક અલગ જ કહી રહ્યા છે. ટ્રમ્પે ભારતને ભલે ટેરિફ કિંગ કહ્યો પરંતુ અમેરિકા ડેરી, તમાકુ, અને ફુડ પ્રોડક્ટ્સ સહિતની અમુક મુખ્ય આયાતો પર વિશ્વમાં સૌથી વધુ ટેરિફ વસૂલે છે. જ્યારે ભારતનો સરેરાશ ટેરિફ 17 ટકા છે. જ્યારે અમેરિકાની નિકાસ માટે સરેરાશ ટેરિફ 5 ટકાથી નીચો છે. જે ટ્રમ્પના ટેરિફ વલણ કરતાં ઓછો છે.
અમેરિકાનો 350 ટકા સુધીનો ટેરિફ
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર, અમેરિકા આડકતરી રીતે ભારત પાસેથી 350 ટકા સુધીનો ટેરિફ વસૂલી રહ્યું છે. જેમાં તમાકુમાં સૌથી વધુ 350 ટકા, ડેરી પર 200 ટકા અને ફળ-શાકભાજી તથા અનાજ પર 130 ટકા ડ્યુટી વસૂલે છે. જ્યારે સામે ભારત વ્હિસ્કી અને વાઈન્સ પર 150 ટકા, અને અમુક ઓટોમોબાઈલ્સ પર 125 ટકા ટેરિફ વસૂલે છે. ઉલ્લેખનીય છે, 2023-24માં ભારતની અમેરિકામાંથી થતી કુલ 42.2 અબજ ડોલરની આયાતમાં 75 ટકા હિસ્સો અમેરિકાની ટોપ-100 નિકાસ પ્રોડક્ટ્સનો હતો. જેમાં મોટાભાગની ચીજો પર ડ્યુટી ભારતની કુલ સરેરાશ કરતાં ઓછી હતી.
વેપાર આંકડાઓમાં પણ વિસંગતતા
ભારત અને અમેરિકાના વેપાર ડેટામાં વિસંગતતાઓ વેપાર કરાર માટે જટિલતા વધારી રહી છે. અમેરિકાના ભારતમાંથી આયાતના આંકડાઓ ભારતની નિકાસ કરતાં વધુ દર્શાવવામાં આવ્યા છે. 2024માં વોશિંગ્ટને ભારતમાંથી 87.4 અબજ ડોલરની આયાત કરી હોવાનો રિપોર્ટ આપ્યો હતો, જ્યારે નવી દિલ્હીએ ફક્ત 80.7 અબજ ડોલરનો ઉલ્લેખ કર્યો હતો. જે બંને દેશોના આયાત-નિકાસના આંકડામાં 6.7 અબજ ડોલરનો તફાવત દર્શાવે છે. અગાઉ 2023માં પણ 8 અબજ ડોલરનો તફાવત જોવા મળ્યો હતો. 2023 માં પણ $8 બિલિયનનો આ જ તફાવત નોંધાયો હતો.
આ કારણોસર આંકડામાં આવી રહ્યો છે તફાવત
ભારતના કોમર્શિયલ એન્ડ રેવન્યુ ડિપાર્ટમેન્ટ આ વિસંગતતાઓ દૂર કરવા કામ કરી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ ડેટાબેઝ ભારતના સેલ્ફ રિપોર્ટ કરવામાં આવેલા ટેરિફ આંકડાઓ પર નિર્ભર છે, જ્યારે અમેરિકાના આંકડા સામાન્ય રીતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પાસેથી મેળવવામાં આવે છે. જેથી વિસંગતતા વધી રહી છે. આ મુદ્દો વેપાર કરાર પર અડચણ પેદા કરી રહ્યો છે.


