'ગાંધી પરિવાર મારા માટે ભગવાન', RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી
Karnataka Politics: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ ચીફ ડીકે શિવકુમારે ગત અઠવાડિયે કર્ણાટક વિધાનસભામાં ચર્ચા દરમિયાન આરએસએસનું ગીત ગાયું હતું, જેને લઈને તેમની જ પાર્ટીના લોકો તેની ટીકા કરી રહ્યા છે. જેને લઈને હવે તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દે માફી માગે છે અને તેમની નિષ્ઠા ગાંધી પરિવાર પ્રત્યે છે.
કોંગ્રેસના સાથી નેતાઓની ટીકાને લઈને ડીકે શિવકુમારનું નવું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, તેઓ કોઈને પણ ઠેસ પહોંચાડવા નથી ઈચ્છતા. જો કોઈને ઠેસ પહોંચી હોય તો તેના માટે માફી માગુ છું.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે બેંગલુરૂના એન. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા આર.અશોકના પગ ખેંચવા માટે આરએસએસના રાષ્ટ્રગાનની પંક્તિઓ વાંચી હતી. તેમણે કહ્યું કે, મારો ઇરાદો તેમની પ્રશંસા કરવાનો નહોતો.
ડીકે શિવકુમારે કહ્યું કે, તેમના કેટલાક મિત્ર તેમનો રાજનીતિક લાભ ઉઠાવી રહ્યા છે, તેનો દુરૂપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ડીકે શિવકુમારે ગાંધી પરિવાર સાથેના પોતાના સંબંધોને ભક્ત અને ભગવાન જેવા ગણાવ્યા
આ સમય દરમિયાન ડીકે શિવકુમારે પોતાને ગાંધી પરિવારના ભક્ત પણ ગણાવ્યા. તેમણે દાવો કર્યો હતો કે તેમના પર માફી માંગવાનું કોઈ દબાણ નહોતું પરંતુ તેમણે કહ્યું કે તેમનો હેતુ આખા દેશને સંદેશ આપવાનો હતો. હું કોંગ્રેસી તરીકે જન્મ્યો છું અને કોંગ્રેસી તરીકે મરીશ... ગાંધી પરિવાર પ્રત્યેની મારી વફાદારી ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ જેવી છે. ગાંધી પરિવાર મારો ભગવાન છે અને હું તેમનો ભક્ત છું.