Get The App

દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત 1 - image

Uttarpradesh Accident News: દિવાળીનો તહેવાર ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો. જિલ્લામાં બનેલી બે અલગ-અલગ ભયાનક માર્ગ દુર્ઘટનાઓમાં બે સગા ભાઈઓ સહિત કુલ પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાઓને કારણે ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે.

પ્રથમ દુર્ઘટના દિવાળીના દિવસે એટલે કે સોમવારે (20મી ઓક્ટોબર) સવારે પસગવાં કોતવાલી વિસ્તારમાં આવેલા સુખેતા પુલ પર બની હતી. અહીં એક જ બાઈક પર સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહેલા ત્રણ મિત્રોને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 45 વર્ષીય ગુડ્ડુ, 50 વર્ષીય સંતરામ અને 30 વર્ષીય હરિપાલ, ત્રણેયના મોત થયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બે લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે ત્રીજાએ હોસ્પિટલ પહોંચતા પહેલા દમ તોડી દીધો.

બીજી અત્યંત કરુણ ઘટના મિતૌલી વિસ્તારમાં બની, જ્યાં બે સગા ભાઈઓ કાળનો કોળિયો બની ગયા. ખમરિયા ગામનો રહેવાસી 18 વર્ષીય વિપિન પોતાના 10 વર્ષના નાના ભાઈ ઓમકાર સાથે ખરીદી કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે ગણેશપુર ગામ નજીક તેમની બાઇક સામેથી આવી રહેલી એક પીકઅપ ગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં 10 વર્ષીય ઓમકારનું મૃત્યુ થયું. મોટા ભાઈ વિપિનની હાલત વધુ ગંભીર હોવાથી તેને લખનઉ રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેણે પણ દમ તોડી દીધો. દિવાળીના દિવસે જ બે સગા ભાઈઓના મોતથી ઘરમાં કોહરામ મચી ગયો હતો અને આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. આ દુર્ઘટનાઓએ તહેવારના દિવસને કાળો દિવસ બનાવી દીધો છે.