Get The App

પતંજલિને વધુ એક ફટકો: ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સુગર, ઊધરસની દવા સહિત આ 15 પ્રોડક્ટો પર પ્રતિબંધ

Updated: Apr 29th, 2024

GS TEAM


Google News
Google News
પતંજલિને વધુ એક ફટકો: ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સુગર, ઊધરસની દવા સહિત આ 15 પ્રોડક્ટો પર પ્રતિબંધ 1 - image


Divya Pharmacy 15 Products Banned : પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurved)ની દિવ્યા ફાર્મસી કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ઉત્તરાખંડ લાઈસન્સ ઓથોરિટીએ કંપનીની 15 પ્રોડક્ટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રોડક્ટોમાં દિવ્યા ફાર્મસીની સુગર, બ્લડપ્રેશર, ઊધરસ સહિત ઘણી ટેબલેટ સામેલ છે. ઓથોરિટીએ આ કાર્યવાહી ભ્રામક જાહેરાત મામલે કરી છે.

પતંજલિ પ્રોડક્ટનું ઉત્પાદન દિવ્યા ફાર્મસી પાસે

દિવ્યા ફાર્મસી બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. ઓથોરિટીએ બાબા રામદેવની ફર્મને ઊધરસ, બ્લડ પ્રેશર, સુગર, લિવર, ગોઈટર અને આઈ ડ્રોપમાં ઉપયોગ થતી 15 દવાઓનું ઉત્પાદન રોકવા આજે આદેશ આપ્યો છે. આદેશ મુજબ અધિકારીઓએ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ગોઇટર, ગ્લુકોમા અને હાઈ કોલેસ્ટ્રોલ માટે ઉપયોગમાં લેવાતી બીપીગ્રિટ, મધુગ્રિટ, થાયરોગ્રિટ, લિપિડૉમ ટેબલેટ અને આઈગ્રિટ ગોલ્ડ ટેબલેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લાઈસન્સ ઓથોરિટીએ શું કહ્યું?

લાઈસન્સ ઓથોરિટીએ પ્રતિબંધનો આદેશ આપી કહ્યું કે, ‘10મી એપ્રિલ-2024ના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહી દિવ્યા ફાર્મસી તેમજ પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા કરવામાં આવેલી ભ્રામક જાહેરાતો મામલે કરાયેલી કાર્યવાહી વિશે જાણ કરવામાં આવી હતી, જેના સંબંધમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.’

આ 15 પ્રોડક્ટ પર લગાવાયો પ્રતિબંધ

  • સ્વસારી ગોલ્ડ
  • સ્વસરી વટી
  • બ્રોન્કોમા
  • સ્વસારી પ્રવાહી
  • સ્વસારી અવલેહ
  • મુક્ત વટી એક્સ્ટ્રા પાવર
  • લિપિડૉમ
  • બીપી ગ્રિટ
  • મધુ ગ્રિટ
  • મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર
  • લિવામૃત એડવાન્સ
  • લીવૉરિટ
  • પતંજલિ દૃષ્ટિ આઈ ડ્રોપ
  • આઈગ્રિટ ગોલ્ડ

ભ્રામક જાહેરાત મામલે પતંજલિ સામે કાર્યવાહી

ઉલ્લેખની છે કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાત મામલે પતંજલિને માફી માંગવા કહ્યું હતું. પતંજલિએ જાહેરાતમાં દાવો કર્યો હતો કે, પતંજલિની દવાઓથી સુગર, હાઈ બ્લડ પ્રેશર, થાઈરોઈડ, લીવર સિરોસિસ, સંધિવા અને અસ્થમાથી લોકો સાજા થઈ ગયા છે, પરંતુ ડૉક્ટરોના સંગઠને કહ્યું હતું કે, પતંજલિએ પોતાની પ્રોડક્ટથી કેટલીક બિમારીઓની સારવાર મામલે સતત ખોટા દાવા કર્યા છે.

Tags :