દુષ્કર્મની પીડિતા માંગલિક છે કે નહીં તેની તપાસ શેની? અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમે આપ્યો સ્ટે
અલ્હાબાદ હાઈકોર્ટે લખનઉ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગને મહિલાની કુંડળીનું અધ્યયન કરવા નિર્દેશ આપ્યો હતો
આ મામલો ધ્યાને આવતા જ ખુદ સુપ્રીમકોર્ટે સુઓમોટો હાથ ધરી હતી
Updated: Jun 3rd, 2023
![]() |
image : Twitter |
લગ્ન કરવાનો વાયદો કરીને દુષ્કર્મ કરનારા આરોપીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એવો આદેશ આપ્યો કે જેને સાંભળીને સૌ કોઈ ચોંકી જશે. અલ્હાબાદ હાઈકોર્ટે લખનઉ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગને મહિલાની કુંડળીનું અધ્યયન કરવા નિર્દેશ આપ્યો હતો અને એ જાણવા કહ્યું હતું કે શું તે પીડિત મહિલા માંગલિક છે કે નહીં? જોકે આ મામલો ધ્યાને આવતા જ ખુદ સુપ્રીમકોર્ટે સુઓમોટો હાથ ધરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશ પર સ્ટે આપી દીધો હતો અને પીડિતાની કુંડળીના અધ્યયન પર રોક લગાવી હતી.
સુપ્રીમકોર્ટની બેન્ચે શું કહ્યું
જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ પંકજ મિત્તલની વેકેશન બેન્ચે કહ્યું હતું કે જ્યોતિષશાસ્ત્રને આ મામલાથી કંઈ જ લેવા દેવા નથી. જ્યોતિષશાસ્ત્ર તો વિજ્ઞાન છે. એમાં કોઈ શંકા નથી.પણ અમને અહીં એ સમજાતું નથી કે આ મામલે જ્યોતિષ રિપોર્ટ કરાવવા કેમ કહેવાયું? સુનાવણી દરમિયાન સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો ડિસ્ટર્બ કરનારો હતો. બેન્ચે કહ્યું હતું કે જ્યારે જામીનની બાબત આવે ત્યારે નિર્ણય પ્રક્રિયામાં કોર્ટ દ્વારા જ્યોતિષશાસ્ત્રને આધાર ન બનાવી શકાય. અમને આ મામલે કોઈ મેરિટ દેખાતું નથી. હાઈકોર્ટ જામીન અરજી પર મેરિટના આધારે સુનાવણી કરે. 23મેના રોજના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર અમે સ્ટે આપીએ છીએ.
મહિલા માંગલિક હોવાનો દાવો
આ તમામ ઘટનાક્રમ ત્યારે થયો જ્યારે આરોપી યુવકે પોતાના બચાવમાં કહ્યું હતું કે આ લગ્ન થઈ શકે તેમ હતા જ નહીં કેમ કે પીડિત મહિલા તો માંગલિક છે. હિન્દુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર માંગલિક કે મંગલી એવી વ્યક્તિને કહેવાય છે કે જે મંગળના પ્રભાવ હેઠળ જન્મે છે. આવી વ્યક્તિને મંગળદોષ ધરાવતી વ્યક્તિ કહેવામાં આવે છે જે લગ્ન માટે અયોગ્ય હોય છે.
પીડિતાએ કહ્યું કે હું માંગલિક નથી તો જજે કુંડળી સબમિટ કરવા કહી દીધું
જેના લીધે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ગોવિંદ રાય નામના આરોપીની અરજીને સુનાવણીને યોગ્ય ઠેરવી હતી. જ્યારે આ મામલે પીડિત મહિલાના વકીલે દાવો કર્યો કે તેમની અસીલ માંગલિક નથી તો જસ્ટિસ બ્રિજ રાજ સિંહે મહિલાને તેની કુંડળી કોર્ટ સમક્ષ સબમિટ કરવા કહ્યું હતું. જે લખનઉ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગને અધ્યયન માટે મોકલવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે લખનઉ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગને ત્રણ અઠવાડિયામાં સીલબંધ કવરમાં રિપોર્ટ સબમિટ કરવા પણ કહ્યું હતું.