For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જીંદગીભર મને ગેરલાયક ઠરાવો પરંતુ હું લડતો રહીશ : રાહુલ ગાંધીનો ખુલ્લો પડકાર

Updated: Mar 26th, 2023

Article Content Image

- પત્રકાર પરિષદમાં રાહુલે મહાત્માજીને ટાંક્યા

- માફી માગવા અંગે ભાઈએ કરેલાં સૂચન અંગે તેઓએ કહ્યું 'મારૂં નામ સાવરકર નથી હું ગાંધી છું માફી નહીં જ માગું'

નવી દિલ્હી : સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવામાં આવ્યા પછી યોજેલી પહેલી જ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પૂર્વપ્રમુખ અને વરિષ્ટ નેતા રાહુલ ગાંધીએ ભાજપ ઉપર પ્રચંડ આક્રમણ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન મારી હવેની સ્પીચથી ડરે છે, તેથી મને ગેરલાયક ઠરાવવામાં આવ્યો છે. તેમ કહેતાં તેઓએ કહ્યું કે હું તેમની આંખોમાં જ ભય જોઈ શક્યો હતો, તેથી તેઓ મને સંસદમાં બોલવા દેવા માગતા ન હતા.

રાહુલે તેમ પણ કહ્યું હતું કે, આ આખી રમત ગેરલાયક ઠરાવવાની કે મંત્રીઓ દ્વારા કરાતા આક્ષેપોની રમત તો અદાણી મુદ્દાથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે કરાઈ રહી છે. આ સરકારને મન તો દેશને અદાણી છે, અદાણી તે દેશ છે... તેઓ મને કાયમ માટે પણ ગેરલાયક ઠરાવે તો પણ હું મારૂં કામ કરતો રહીશ. મને જીંદગીભર ગેરલાયક ઠરાવે કે જીંદગીભર જેલમાં નાખે તો પણ હું લડતો રહીશ.

મૂળભૂત પ્રશ્ન તો તે છે કે અદાણી સેલ કંપનીમાં રૃા. ૨૦,૦૦૦ કરોડ કોણે રોક્યા ? હું તે પ્રશ્ન પૂછતો જ રહીશ. મેં હંમેશા ભાઈચારાની વાત કરી છે તે માત્ર ઓબીસી પૂરતી જ નથી. પરંતુ તે સામે સરકારે ઘાંઘા બની જે પ્રત્યાઘાતો આપ્યા તેથી વિપક્ષોને જ લાભ થશે.

તમારે માફી માગવી જોઇએ તેમ ભાજપ કહે છે તેવું પત્રકારોએ જણાવતાં રાહુલે કહ્યું 'મારૂં નામ સાવરકર નથી, મારૂં નામ ગાંધી છે. કોઇથી ડરતો નથી. હું માફી નહીં જ માગું.

પત્રકાર પરિષદમાં રાહુલે ઘણી વખત મહાત્મા ગાંધીજીને ટાંક્યા હતા. તેઓએ કહ્યું હતું સત્ય મારો પરમેશ્વર છે. તે પ્રાપ્ત કરવાનો માર્ગ અહિંસા છે. સત્ય અને અહિંસા અમારા મૂળભૂત સિદ્ધાંતો છે.

નિરીક્ષકો કહે છે કે ભલે બાપુએ ૧૯૪૦ની કેબિનેટ મિશન સાથેની મીટીંગમાં કોંગ્રેસે ભાગલા સ્વીકાર્યા પછી કોંગ્રેસનું સામાન્ય પદ પણ છોડી દીધું હતું. છતાં આજે પણ કોંગ્રેસ માટે બાપુ આરાધ્ય જ રહ્યા છે.

Gujarat