UP Police Nabs Fifth Shooter in Disha Patani House Firing Case : બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના બરેલી સ્થિત ઘર પર ફાયરિંગ કરવાના કેસમાં પોલીસ એક બાદ એક આરોપીઓ પર કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે આ કેસમાં પાંચમા આરોપીને પગમાં ગોળી મારી ધરપકડ કરી છે. 19 વર્ષનો રામનિવાસ ઉર્ફે દપિક રાજસ્થાનનો છે. તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
એકને પગમાં ગોળી વાગી, અન્ય એકની પણ ધરપકડ
બરેલી પોલીસે ઘટનાસ્થળ પાસેથી એક પિસ્તોલ અને મોટા પ્રમાણમાં કારતૂસ પણ જપ્ત કર્યા છે. સાથે સાથે સતીશ નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપી નંબર પ્લેટ વિનાની બાઈક પર સવાર થઈને ભાગી રહ્યા હતા. પોલીસ અનુસાર આ આરોપી દિશા પટણીના ઘરની રેકી કરવામાં સામેલ હતા. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું છે કે હજુ પણ ગેંગના અન્ય સભ્યોની શોધખોળ કરવામાં આવી રહી છે.
બે દિવસ અગાઉ બે શૂટરને મારવામાં આવ્યા હતા
નોંધનીય છે કે બે દિવસ અગાઉ 17 સપ્ટેમ્બરે જ ગાઝિયાબાદના ટ્રોનિકા સિટી વિસ્તારમાં યુપી, દિલ્હી અને હરિયાણાની પોલીસની સંયુક્ત ટીમ તથા આરોપીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ મુખ્ય આરોપી રવીન્દ્ર અને અરુણને ઠાર કરવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો રવીન્દ્ર મૂળ રોહતક જ્યારે અરુણ સોનિપતનો રહેવાસી હતો. બંને શૂટર કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગના સક્રિય મેમ્બર હતા. એન્કાઉન્ટર બાદ જિગાના પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા હતા.
પ્રેમાનંદ મહારાજ પર ટિપ્પણીનો બદલો લેવા થયું હતું ફાયરિંગ
નોંધનીય છે કે 12 સપ્ટેમ્બરે સવારે પોણા ચાર વાગ્યે બરેલીમાં દિશા પટણીના ઘર પર નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંને શૂટર્સે સોશિયલ મીડિયામાં આ ઘટનાની જવાબદારી લીધી હતી. દિશા પટણીની બહેન ખુશ્બુ પટણીએ કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના કારણે બદલો લેવા માટે આ શૂટર્સે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિશા પટણીના પિતા સાથે ફોન પર વાતચીત કરી તેમને પરિવારની સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું. જે બાદથી જ પોલીસ આ શૂટર્સની શોધખોળ કરી રહી હતી.


