તમામ વિમાનોના ફ્યુલ સ્વિચ ચેક કરો: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ DGCAનો કડક આદેશ
DGCA On Airline Companies : અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે AAIB ના પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરાયો છે, આ પછી DGCAએ એરલાઇન કંપનીઓને કડક આદેશ આપ્યો છે. જેમાં DGCAએ તમામ રજિસ્ટર્ડ વિમાનોના એન્જિન ફ્યુઅલ સ્વીચનું ફરજિયાત નિરીક્ષણ કરવા જણાવ્યું છે. આ તપાસ 21 જુલાઈ, 2025 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
DGCAએ કહ્યું છે કે, 'સ્ટેટ ઑફ ડિઝાઈન-મેન્યુફેક્ચર દ્વારા જાહેર કરાયેલા હવા યોગ્યતા નિર્દેશો હેઠળ તપાસ ફરજિયાત કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરલાઇન ઓપરેટરોએ સૂચનાઓ અનુસાર તેમના વિમાનોનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે. એરલાઇન ઓપરેટરોને 21 જુલાઈ સુધીમાં તેમનું નિરીક્ષણ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.'
AAIBએ એર ઈન્ડિયાના બોઈંગ 787-8 વિમાન દુર્ઘટનાને લઈને ગત શનિવારે પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, એન્જિન બંધ થયા પછી પાઇલટે મુસાફરોના જીવ બચાવવા માટે શું કર્યું, પરંતુ તેમની તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. જેમાં વિમાન ક્રેશ થતાં પહેલાં મેડે કોલ આપ્યો હતો.