For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

20 હજારમાં ડિપ્લોમા, 80 હજારમાં ડિગ્રીઃ ગૂગલ પર જાહેરાત દ્વારા ઠગાઈનું દેશવ્યાપી નેટવર્ક

Updated: Sep 19th, 2022

Article Content Image

- વિદ્યાર્થીઓના ડેટા મેળવીને તેમને ફોન કરીને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો

નવી દિલ્હી, તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર

ઉત્તર પ્રદેશમાં નોએડા પોલીસે સેક્ટર-63માંથી એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે દેશભરમાં બોગસ ડિગ્રીઓનું એક નેટવર્ક ચલાવી રહી હતી. આ ટોળકી 20થી 80 હજાર રૂપિયામાં MBA, MTech વગેરેની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા ડિગ્રી વેચી રહી હતી. તેઓ ગૂગલ પર બોગસ જાહેરાત આપીને લોકોને ફસાવવાનું કામ કરતા હતા. 

પોલીસે આ કેસમાં પટનાના રહેવાસી આનંદ શેખર અને નોએડાના રહેવાસી ચિરાગ શર્માની ધરપકડ કરી છે. બંને પાસેથી વર્ષ 2000, 2002 સુધીની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા પણ મળી આવ્યા છે. ADCP સેન્ટ્રલ ઝોન સાદ મિયાંએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસને સેક્ટર-63ની B-44 સ્થિત ઈમારતમાં નકલી માર્કશીટ, ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી.

85 બોગસ માર્કશીટ સહિતની વસ્તુઓ જપ્ત

ત્યાર બાદ પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં બે આરોપીઓ આનંદ અને ચિરાગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેમના પાસેથી 85 બોગસ માર્કશીટ, 7 ખાલી માર્કશીટ, 8 નકલી સ્ટેમ્પ, 33 મોબાઈલ ફોન, 14 કોમ્પ્યુટર અને 55 સિમકાર્ડ મળી આવ્યા હતા. 

Article Content Image

બેંગલુરૂમાં થઈ હતી ધરપકડ

પોલીસે જણાવ્યું કે, નોએડા પહેલા બેંગલુરૂમાં પણ આ પ્રકારે ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો કરવામાં આવ્યો હતો. બેંગલુરૂ પોલીસે જાન્યુઆરી 2022માં આનંદની ધરપકડ કરી હતી. ત્યાંથી જામીન મળ્યા બાદ માર્ચ 2022માં તેણે નોએડા આવીને ફરી પોતાનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. તેણે પોતે 10 વર્ષથી આ પ્રકારે બોગસ માર્કશીટ, ડિગ્રી અને ડિપ્લોમા વેચવાનું કામ કરી રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે. 

દૈનિક 5 હજાર ચુકવીને ગૂગલ પર જાહેરાત

આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ દ્વારા જાહેરાત કરતો હતો. તેના માટે પ્રતિ દિવસના હિસાબથી 5,000 રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવતી હતી. આ જાહેરાતોમાં તે ડિગ્રી અને ડિપ્લોમાની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો અને એક વખત ફોન આવે અથવા તો કોઈ જાહેરાત પર ક્લિક કરે એટલે તે પોતે જ તે લોકોનો સંપર્ક કરતો હતો અને તેમને ઠગાઈનો શિકાર બનાવતો હતો. 

વિદ્યાર્થીઓના ડેટા મેળવીને કરતો હતો ફોન

તે સિવાય તે કોચિંગ સંસ્થાઓ, કોલેજીસ વગેરે પાસેથી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની વિગતો એકઠી કરીને તેમને ફોન કરતો હતો અને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો. આ માટે તે પોતે વિદ્યા ભારતી ઈન્સ્ટિટ્યુટ અને એમ્પિરિયલ ઈન્સ્ટિટ્યુટનો સંચાલક હોવાનું જણાવતો હતો. જોકે વાસ્તવમાં આ નામના કોઈ ઈન્સ્ટિટ્યુટ જ નથી. 

Gujarat