Get The App

1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકોલ

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકોલ 1 - image

UPI Two Factor Authentication: મોલ હોય કે સ્થાનિક દુકાન અત્યારે મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અથવા UPIનો ઉપયોગ કરે છે. હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને એક મોટો નિયમ બદલાવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બૅંક(RBI)ના આદેશ બાદ હવે બૅંકોએ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) લાગુ કરવું પડશે. સપ્ટેમ્બર 2025માં જાહેર કરાયેલા આ આદેશ માટે 1 એપ્રિલ 2026ની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.

માત્ર OTP પર નિર્ભરતા ખતમ

1 એપ્રિલ 2026 પછી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે માત્ર વન ટાઇમ પાસવર્ડ (OTP) પર નિર્ભર રહેવું પૂરતું નહીં હોય. તમામ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછા બે અલગ અને સ્વતંત્ર વેરિફિકેશન ફેક્ટરથી વેરિફાય કરવું પડશે. ઉલ્લેખનીય છે કે ક્રેડિટ કાર્ડમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન પહેલાથી જ અમલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનશે.

ઓથેન્ટિકેશનની આ રીતો હશે

પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર (PIN)

બાયોમેટ્રિક જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન

બૅંકિંગ એપની અંદર જનરેટ થતાં વર્ચ્યુઅલ ટોકન

SMS આધારિત OTP

કેવી રીતે થશે પેમેન્ટ?

હવે પેમેન્ટ પૂર્ણ કરવા માટે તમારે બે પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે:

OTP + PIN (સ્ટેટિક)

બાયોમેટ્રિક વેરિફિકેશન + ડિવાઇસ બાઇન્ડિંગ

ટોકન આધારિત ઓથેન્ટિકેશન + પાસવર્ડ

ધારો કે તમે કોઈ દુકાનેથી સામાન ખરીદ્યો અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કર્યું. જેવું સેલ્સ પર્સન પોઇન્ટ ઑફ સેલ (POS) મશીન પર કાર્ડ સ્વાઇપ કરશે, ત્યારબાદ યુઝરે પિન (PIN) એન્ટર કરવાની સાથે હવે OTP પણ આપવો પડશે. આમ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને બે રીતે ઓથેન્ટિકેટ કરવું ફરજિયાત બનશે.

આ પણ વાંચો: Explainer | ઇરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી 'ટાકો' રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે

સાયબર ગઠિયા પર લાગશે લગામ

1 એપ્રિલ પછી દરેક ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછી બે પદ્ધતિઓથી ઓથેન્ટિકેશન કરવું પડશે. આ પગલાથી સાયબર ઠગાઈ પર અંકુશ આવશે અને અનધિકૃત ટ્રાન્ઝેક્શન અટકશે. સાયબર ઠગાઈના એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગઠિયાએ ચાલાકીથી OTP મેળવીને બૅંક ખાતા ખાલી કરી દીધા હતા. ફિશિંગ સ્કેમ અને સિમ સ્કેમ જેવી ઘટનાઓ રોકવા માટે આ નવો નિયમ મહત્ત્વનો સાબિત થશે.

ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટેનો નિયમ

RBIની ગાઇડલાઇનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 1 ઑક્ટોબર 2026 સુધીમાં ઇન્ટરનેશનલ 'કાર્ડ-નોટ-પ્રેઝન્ટ' ટ્રાન્ઝેક્શન પર પણ આ જ પ્રકારના ઓથેન્ટિકેશન નિયમો લાગુ કરવામાં આવશે.