સોફ્ટવેર-ભાવમાં અપારદર્શક્તા મુદ્દે ગ્રાહકોની ફરિયાદો
કેન્દ્રની ઓલા-ઉબર, એપલને નોટિસ, ગ્રાહકોના શોષણ અંગે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવાશે : જોશી
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહ્લાદ જોશીએ અલગ અલગ મોબાઈલ્સ એટલે કે એન્ડ્રોઈડ અને - અથવા આઈફોન પર અલગ અલગ ભાવના દાવાઓ પછી સોશિયલ મીડિયા એક્સ પર આ માહિતી આપી હતી. એપલના ફોનમાં તાજા સોફ્ટવેર અપગ્રેડેશન પછી આઈફોન યુઝર્સ દ્વારા ટેકનિકલ મુદ્દે ફરિયાદો કરતાં એપલને જવાબ આપવા જણાવાયું છે.
કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ લખ્યું કે, અલગ અલગ મોબાઈલ એટલે કે એન્ડ્રોઈડ અને - અથવા આઈફોનના આધારે અલગ અલગ ભાડાં અંગે પહેલા કરાયેલી ટીપ્પણી પછી ગ્રાહક બાબતોના વિભાગે સીસીપીએના માધ્યમથી અગ્રણી કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબરને નોટિસ જાહેર કરી તેમની પાસે જવાબ માગ્યો છે. આ પહેલાં જોશીએ ગયા મહિને બંને કંપનીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, ગ્રાહકોના શોષણ અંગે ઝીરો ટોલરન્સ રાખવામાં આવશે. તેમણે સીસીપીએને આ આક્ષેપોની તપાસ કરવા પણ કહ્યું હતું.
હકીકતમાં ગયા મહિને એક ચોંકાવનારી થીયરીએ ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું હતું. લોકલ સર્કલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેમાં જણાયું હતું કે, ૬૦ ટકા આઈફોન યુઝર્સ કેબ સર્વિસમાં કોલ ફેલ્યોર સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજીબાજુ સરવેમાં ભાગ લેનારા આઈફોનના ૯૦ ટકા યુઝર્સે તેમની સમસ્યાઓ માટે સીધે સીધા આઈઓએસ અપડેટને જવાબદાર ઠેરવી હતી.
ગ્રાહકોની ફરિયાદો મુદ્દે ઉબરના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે આઈફોન કે એન્ડ્રોઈડ ફોનના આધારે ભાવ નિશ્ચિત કરતા નથી. અમે કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટી સમક્ષ કોઈપણ ગેરસમજને દૂર કરવા માટે તૈયાર છીએ. જોેકે, આ કંપનીઓએ સીસીપીએની નોટિસનો હજુ સુધી જવાબ આપ્યો નથી.


