ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પુરુષમાં જી6પીડીની ઉણપની જાણ ન હોય તો ખબર પડતા ચાર વર્ષ લાગે
- ભારતીયોમાં પોષક તત્વોની ખામી અને વારસાગત રક્તવિકારો હોવાથી એક જ ટેસ્ટથી ડાયાબિટિસનું નિદાન ન થઈ શકે
- ભારતના ઘણા હિસ્સાઓમાં લોકોમાં લોહતત્વની જ ખામી હોઈ એક જ ટેસ્ટના પરિણામો ગેરમાર્ગે દોરી શકે
HbA1c and Diagnosing diabetes: ભારતીયોનું કરવામાં આવતું ડાયાબિટીસનું નિદાન ભૂલભરેલું હોય તેવી પ્રબળ સંભાવના છે. તેનું એકમાત્ર કારણ એ છે કે ભારતમાં ડાયાબિટીસ માટે એકમાત્ર HbA1c બ્લડ ટેસ્ટ પર જ આધાર રાખવામાં આવે છે. હવે આ ટેસ્ટ પર જ મદાર ગેરમાર્ગે દોરતા પરિણામો આપી શકે તેમ જણાવવામાં આવ્યું છે. ભારતની આગવી પ્રોફાઇલ જોતાં બીજા ટેસ્ટ પણ જરૂરી છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે.
ધ લેન્સેટ રિજિયોનલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે ડાયાબિટિસના નિદાન અને તેની પર દેખરેખ રાખવા માટે સામાન્ય રીતે વપરાતાં HbA1c બ્લડ ટેસ્ટ લાખો ભારતીયોના કેસોમાં ગેરમાર્ગે દોરી શકે તેવા પરિણામો દર્શાવી શકે છે. આમ થવાનું કારણ ભારતીયોમાં વ્યાપક પોષક તત્વોની ખામી અને વારસાગત રક્તવિકારો છે. આ સમસ્યા ધરાવતાં લોકોના ટેસ્ટ કેસોમાં બ્લડ સુગરનું લેવલ વધારે અથવા ઓછું દર્શાવવામાં આવે તે શક્ય છે.
સિનિયર એન્ડોક્રિનોલોજિસ્ટ પ્રોફેસર અનુપ મિશ્રા દ્વારા કરવામાં આવેલાં રિવ્યુમાં HbA1c લેવલ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. HbA1c લેવલ્સમાં સરેરાશ બ્લડ ગ્લુકોઝ હિમોગ્લોબિનના ગ્લાયકેશન દ્વારા માપવામાં આવે છે. બ્લડ ગ્લુકોઝની આ સરેરાશ રક્તકણો કે આયર્નની ખામી પ્રમાણે વધારે કે ઓછી આવી શકે છે. મિશ્રાએ જણાવ્યં હતું કે ભારત જેવા પ્રદેશોમાં જ્યાં પોષક તત્વોનો અભાવ અને રક્તકણોની ખામી વ્યાપક છે ત્યાંં HbA1c બ્લડ ટેસ્ટ પર જ સઘળો મદાર રાખવાથી ડાયાબિટિસના તબક્કાનું ખોટું વર્ગીકરણ થઇ શકે છે.
ભારતના અમુક હિસ્સાઓમાં અડધાથી વધારે વસ્તીમાં લોહતત્વ એટલે કે આયર્નની ઉણપ હોઇ HbA1c ટેસ્ટના પરિણામો ગેરમાર્ગે દોરનારા આવી શકે છે. આ રિવ્યુમાં ચેતવણી આપવામાં આવી છે કે પુરૂષમાં જી૬પીડીની ઉણપ હોવાનું જાણી ન શકાયું હોય તો ડાયાબિટિસનું નિદાન ચાર વર્ષ મોડું થઇ શકે છે. અન્ય એક નિષ્ણાતે જણાવ્યું હતું કે શહેરોમાં સુસજજ હોસ્પિટલ્સમાં પણ HbA1cના પરિણામો રક્તકણોની ખામીઓને કારણે અલગ અલગ જોવા મળ્યાં છે.
ગ્રામ વિસ્તારોમાં કુપોષણ અને વારસાગત રક્ત વિકારો વ્યાપક હોઇ આ પરિણામોમાં વધારે વિસંગતિઓ જોવા મળી શકે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે લેબોરેટરીમાં ક્વોલિટી કન્ટ્રોલમાં પણ અનિયમિતતા હોઇ ભૂલો વધી શકે છે. જેના કારણે HbA1cના પરિણામોનું અર્થઘટન કરવાનું પડકારજનક બની રહે છે. આમ, માત્ર HbA1c બ્લડ ટેસ્ટ પર જ આધાર રાખતાં જાહેર આરોગ્ય સર્વેમાં ભારતના ડાયાબિટિસનું ચોક્સાઇપૂર્ણ ચિત્ર મળતું નથી.









