દેશમાં ખાંડના વપરાશમાં નાટકીય ઘટાડો
કોરોના સુધી ખાંડનો વપરાશ દર વર્ષે ૪.૧ ટકાના દરે વધી રહ્યો હતો, ૨૦૨૬માં વપરાશ ૧.૪૨ ટકા વધશે
ભારતમાં ખાંડની માંગ ધીમી પડી રહી છે. સ્થાનિક વપરાશ ૨૦૨૪-૨૫માં ૨૮.૧ મિલિયન ટન હતો. જે ૨૦૨૫-૨૬માં માત્ર ૦.૪ મિલિયન ટન વધવાની ધારણા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬નો અંદાજ ૨૦૨૪ના ૨૯ મિલિયન ટન કરતા ખૂબ જ ઓછો છે. ખાંડની ઓછી માંગ પાછળ ફિટનેસ પ્રત્યે સભાનતા અને ઓછી ખાંડવાળા વૈકલ્પિક સ્વીટનર્સને કારણભૂત માનવામાં આવી રહ્યાં છે.
ચીન પછી વિશ્વમાં સૌથી વધુ ડાયાબિટીસના કેસ ધરાવતા દેશ ભારતમાં ૧૦૦ મિલિયન ડાયાબિટીસના દર્દીઓ છે. જ્યારે, ૧૩૬ મિલિયન પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છે ત્યારે, ઘટાડો સ્વાસ્થ્ય માટે સારો સંકેત છે. ઘણા ખાંડના વપરાશ પ્રત્યે સભાન બન્યા છે અને ગોળ, ખજૂર અને ફળમાંથી મેળવેલા ગળપણ તરફ વળ્યા છે.
પરંતુ, માંગમાં ઘટાડો સુગર મિલો અને શેરડીના ખેડૂતો માટે સારા સંકેત નથી. રિપોર્ટ મુજબ, ૨૦૨૫-૨૬ સીઝનમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન લગભગ ૩૦.૯૫ મિલિયન ટન થવાનો અંદાજ છે. જે ૨૦૨૪-૨૫માં ૨૬.૧ મિલિયન ટન હતું. આ ઉપરાંત ભારતીય ખાંડની તુલનામાં બ્રાઝિલિયન ખાંડ સ્પર્ધાત્મક નથી રહી એટલે, શેરડીના ખેડૂતો અને સુગર મિલો માટે પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણના નિર્ણયથી જ આશા રહી છે.


