પાયલોટના વિકલી રેસ્ટ અંગેનો આદેશ તાત્કાલિક અસરથી પરત ખેંચાયો, ઇન્ડિગો સંકટ બાદ DGCAનો નિર્ણય

Indigo Crisis: સમગ્ર દેશમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સ ઓપરેશનમાં સર્જાયેલા સંકટ બાદ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) હરકતમાં આવ્યું છે. ડીજીસીએએ એરલાઇન્સ પાયલોટ માટે જાહેર કરેલો વિકલી રેસ્ટ એટલે કે સાપ્તાહિક આરામ અંગેનો પોતાનો અગાઉનો આદેશ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો છે.
પરિપત્ર જાહેર કર્યો
આ અંગે ડીજીસીએ દ્વારા એક સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરાયો છે. ડીજીસીએના નવા 'વિકલી રેસ્ટ' આદેશને કારણે જ ઇન્ડિગોએ પાયલોટની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે છેલ્લા ચાર દિવસમાં ઇન્ડિગોની 1,300થી વધુ ફ્લાઇટ રદ થઈ ચૂકી છે અને ઍરપોર્ટ પર હજારો મુસાફરો રઝળી પડ્યા છે.

હવે ડીજીસીએએ પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે, વિવિધ એરલાઇન્સ તરફથી આ મામલે સતત ફરિયાદો મળી રહી હતી. વિમાનોની અવરજવર રાબેતા મુજબ ચાલુ રાખવા અને મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાપ્તાહિક આરામ સંબંધિત આ આદેશ પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવાયો છે, જે તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાનો રહેશે.
નોંધનીય છે કે, નવા સાપ્તાહિક આરામના આદેશને કારણે, ઇન્ડિગો પાયલટની અછતનો સામનો કરી રહી હતી, જેના પરિણામે છેલ્લા ચાર દિવસમાં 1,300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

