Get The App

ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ 1 - image

Indigo Airlines Crisis : દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોમાં તાજેતરમાં ફ્લાઈટ્સ રદ થવા અને મેનેજમેન્ટની ગેરરીતિઓના કારણે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કડક પગલું ભર્યું છે. DGCAએ એરલાઈનના કામકાજ પર ચાંપતી નજર રાખવા માટે આઠ સભ્યોની એક વિશેષ નિરીક્ષણ ટીમની રચના કરી છે.

નિરીક્ષણ ટીમને સોંપાઈ આ જવાબદારી

બુધવારે DGCA દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, નિરીક્ષણ ટીમના બે અધિકારીઓ સીધા જ એરલાઈનના કોર્પોરેટ કાર્યાલયમાં તહેનાત કરવામાં આવશે. આ બે અધિકારીઓને એરલાઇનના કુલ વિમાનો, તમામ વિમાનોમાં નિર્ધારીત કરાયેલ અંતર, પાઈલોટની કુલ સંખ્યા, ક્રૂના ઉપયોગના કલાકો અને તાલીમ હેઠળના ક્રૂ વગેરેની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ઈન્ડિગોની તમામ ગતિવિધિઓ પર નજર રાખશે ટીમ

DGCAએ એવું પણ કહ્યું છે કે, બંને અધિકારીઓ રોજ ઓપરેટ થતી ફ્લાઈટ, કર્મચારીઓની રજાઓ, ક્રૂની અછતના કારણે ઉભી થતી સમસ્યા, સ્ટેન્ડ બાય રહેલા કોકપિટ અને કેબિન ક્રૂની સંખ્યા સહિતની બાબતો પર નજર રાખશે.

આ પણ વાંચો : PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ ચર્ચા

અન્ય બે અધિકારીઓ રિફંડ સહિતની બાબતો પર નજર રાખશે

ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ થવાની સ્થિતિ, મુસાફરોના રિફંડ, ઓન-ટાઈમ પર્ફોમન્સ અને નાગરિક ઉડ્ડયન નિયમો મુજબ મુસાફરોને મળતા વળતરની દેખરેખ રાખવા માટે અન્ય બે અધિકારીઓ, એક વરિષ્ઠ આંકડા અધિકારી અને એક નાયબ નિયામકને પણ ઈન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં તહેનાત કરવામાં આવ્યા છે.

અનેક ફ્લાઈટો રદ અને વિલંબ થયા બાદ ઈન્ડિગોની વધી મુશ્કેલી

પાઈલટો અને અન્ય કર્મચારીઓ માટે આરામનો સમયગાળો વધારતા નવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો લાગુ થયા પછી ઈન્ડિગોને એક સપ્તાહથી વધુ સમયથી સંચાલન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સેંકડો ફ્લાઈટો રદ અને વિલંબિત થઈ છે.

આ પણ વાંચો : ‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે...’ લોકસભામાં બોલ્યા કંગના રનૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન