India

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ

By GS TEAM
27 Oct 20252 mins read
ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ

- ઉત્તરાખંડમાં ક્લાઈમેટ ચેન્જની અસર જોવા મળી

- દેવતાલ સરોવર પર બરફનું પડ એટલું જાડું થઈ ગયું છે કે પ્રવાસીઓ તેના પર તસવીરો પડાવે છે

દેહરાદુન : ઉત્તરાખંડમાં ચોમાસા પછી હવે શિયાળામાં પણ ક્લાઈમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. ચોમાસામાં વાદળ ફાટવાની ઘટનાઓ પછી હવે ઉત્તરાખંડમાં ઓક્ટોબરમાં જ હાડ થીજાવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદે માણા ગામ નજીક દેવતાલ સરોવર સંપૂર્ણપણે થીજી ગયું છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામ નજીક આવેલું દેવતાલ સરોવર સમુદ્રની સપાટીથી ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈ પર છે. ઑક્ટોબરમાં થયેલી અસામાન્ય હિમવર્ષા અને તાપમાનમાં આવેલા જબરજસ્ત ઘટાડાના કારણે સરોવરનું પાણી થીજીને બરફ બની ગયું છે. આ દૃશ્ય હિમાલયના ક્ષેત્રમાં ક્લાઈમેટ ચેન્જના સંકેત આપે છે. આ વર્ષે પર્વતો પર ઠંડીનો પ્રકોપ એટલો તીવ્ર છે કે સામાન્ય કરતા ઘણી વધુ હિમવર્ષાએ સમગ્ર વિસ્તારને સફેદ ચાદર ઓઢાડી દીધી છે.

ચમોલીમાં ઓક્ટોબરમાં જ સરોવરનું થીજી જવું અસામાન્ય ઘટના છે. હવામાન વિભાગ મુજબ આ ક્ષેત્રમાં તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી સે. સુધી પહોંચી ગયું છે, જે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં ઘણું ઓછું છે. ભારે હિમવર્ષા અને સતત ઠંડીના કારણે સરોવરની સપાટી પર બરફનું મોટું પડ જામી ગયું છે. આ પડ એટલું મજબૂત છે કે લોકો સરોવરની સપાટી પર ઊભા રહીને તસવીરો પડાવે છે. ભારત-ચીન યુદ્ધ પછી અહીં પ્રવાસીઓના પ્રવેશનો પ્રતિબંધ હતો. જોકે, સપ્ટેમ્બર ૨૦૨૧થી દેવતાલ સરોવર પ્રવાસીઓ માટે ખોલી દેવાયું છે.