વિનાશની કાળી અમાસ વચ્ચે ગાજામાં ઝબુકી શાંતિની આશ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે થશે ૫ દિવસનો સંઘર્ષવિરામ
ઇઝરાયેલ જીવન જરુરિયાતની સામગ્રી ભરેલી ટ્રકોને ગજામાં પ્રવેશવા દેવા સંમત
યુધ્ધવિરામ માટે ૫૦ નાગરિકોને કેદમાંથી મુકત કરવાની ઇઝરાયેલની શરત
તેલઅવિવ,૨૨ નવેમ્બર,૨૦૨૩,બુધવાર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હંગામી યુધ્ધ વિરામ થતા ગાજામાં રહેતા લોકોએ રાહતનો દમ લીધો છે. ઇઝરાયેલ હમાસ આતંકી સંગઠનના રોકેટસ હુમલા પછી તાબડતોબ કરેલી સૈન્ય કાર્યવાહીને પ્રથમવાર અટકાવી દે તેવી શકયતા છે. ઇઝરાયેલની કેબિનેટે ૫૦ અપહ્ત ઇઝરાયેલી નાગરિકોને છોડાવવા હમાસ સાથે સમજૂતી કરવાની મંજુરી આપી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી કતાર બંને પક્ષો વચ્ચે સંઘર્ષ વિરામ થાય તે માટે સક્રિય થયું છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા ભીષણ હુમલામાં ગાજા વિસ્તાર સૂમસામ ભાસે છે. ઇઝરાયેલે ૪ દિવસના યુધ્ધવિરામ બદલ હમાસે કેદ કરેલા ૫૦ નાગરિકોને છોડી મુકવાની શરત રાખી છે. જો અપહરણ કરાયેલા વધુ ૧૦ નાગરિકોને છોડવામાં આવશે તો વધુ એક દિવસ માટે યુધ્ધવિરામ લંબાવવામાં આવશે. આમ યુધ્ધવિરામ કુલ ૫ દિવસ માટે હોઇ શકે છે.પશ્ચિમી મીડિયાના અહેવાલ અનુસાર ગાજામાં ઇઝરાયેલ કરેલી અત્યાર સુધીની કાર્યવાહીમાં ૧૪૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.
આ દરમિયાન દવા સહિતની જીવન જરુરિયાતની સામગ્રી ભરેલી ટ્રકોને ગજામાં પ્રવેશવા દેવામાં આવશે. યુધ્ધવિરામના ગાળા દરમિયાન બંને પક્ષ તરફથી કોઇ પણ પ્રકારના હુમલા કરવામાં આવશે નહી. એટલું જ નહી સંઘર્ષ વિરામ દરમિયાન દક્ષિણ ગાજાના આકાશમાં યુધ્ધ વિમાનોનો એર ટ્રાફિક પણ જોવા મળશે નહી. ઇઝરાયેલના નાગરિકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
યુધ્ધવિરામની જાહેરાત નો અમલ થયા પછી બંને પક્ષો પોતાના સંભવિત ફાયદાનું અનુમાન લગાવી રહયા છે. ઇઝરાયેલ હમાસ સંગઠનની કમર તોડીને કાળી અમાસ લાવી દીધી છે કે હજુ પણ ઉર્જા બચી છે તેનો ટુંક સમયમાં જ ખ્યાલ આવી જશે. પ્રાપ્ત માહિતી અનુસાર હજુ પણ પરીસ્થિતિ અત્યંત નાજૂક છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્ન્યાહુએ સ્પષ્ટતા કરી છે કે જયારે યુધ્ધ વિરામનો સમય પુરો થશે ત્યાર બાદ ફરી હુમલા કરવામાં આવશે.