દિલ્હીના પ્રખ્યાત રાજપથનું નામ કર્તવ્યપથ રાખવામાં આવશે
- દિલ્હી મ્યૂનિ. કાઉન્સિલની જાહેરાત
- વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિને અંગ્રેજોના શાસન સમયના સિમ્બોલ હટાવવાની જાહેરાત કરી હતી
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યો દ્વારા વિવિધ શહેરો અને સ્થળોના નામ બદલાઇ રહ્યા છે. જેમાં હવે કેન્દ્ર સરકાર પણ જોડાઇ ગઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના પ્રખ્યાત રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ કેન્દ્ર સરકાર રાજપથ અને સેંટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને કર્તવ્ય પથ કરવા જઇ રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવી દિલ્હી નગરપાલિકા પરિષદ (એનડીએમસ)એ રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને કર્તવ્યપથ રાખવાનું નક્કી કર્યું છે. જે મુદ્દે સાતમી તારીખે એક વિશેષ બેઠક પણ બોલાવવામાં આવી રહી છે. આ બેઠકમા નામ બદલવાના પ્રસ્તાવને પરિષદ સમક્ષ મુકવામાં આવશે. એવા અહેવાલો છે કે પ્રસ્તાવને પરિષદમાં મંજૂરી મળી ગયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ રાખવાનું એક નોટિફિકેશન પણ જારી કરવામાં આવશે. ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના માર્ગને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે અહીંયા ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની ઉજવણી પણ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિનના ભાષણમાં કહ્યું હતું કે અંગ્રેજોના સમયના શાસનની માનસિક્તા દર્શાવતા સિમ્બોલને હટાવવામાં આવશે.