Updated: Feb 22nd, 2023
![]() |
Image : MCD Official |
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી 2023, બુધવાર
દિલ્હીને આજે નવા મેયર મળી શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે MCDની બેઠક બોલાવામાં આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે આજે ચૂંટણી યોજાશે. છેલ્લા ઘણા દિવસથી દિલ્હીમાં મેયરની ચૂંટણી માટેનો વિવાદ ચાલી રહ્યો છે.
આ પહેલા ત્રણ બેઠકો રદ થઈ હતી
હંગામાને કારણે અત્યાર સુધીમાં ત્રણ બેઠકો રદ કરવી પડી હતી અને ચૂંટણી મોકૂફ થતી રહી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે મેયરની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે દિલ્હીને નવા મેયર મળે તેવી ધારણા છે. આમ આદમી પાર્ટીએ મેયર પદના ઉમેદવાર તરીકે શેલી ઓબેરોયને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તા છે.
શેલી ઓબેરોયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ મેયર, ડેપ્યુટી મેયર અને નાગરિક સંસ્થાની સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે MCDની પ્રથમ બેઠક બોલાવવા માટે 24 કલાકની અંદર નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો હતો. સત્તાધારી આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર શેલી ઓબેરોય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા એમસીડીમાં નામાંકિત કરાયેલા સભ્યો મેયરને ચૂંટવા માટે મત આપી શકતા નથી.