દિલ્હી: આપના કોર્પોરેટર તાહિર હુસૈનના મકાનના ધાબા પરથી પેટ્રોલ બોમ્બ મળ્યા
નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
દિલ્હીના શાસક પક્ષ આપના એક કોર્પોરેટર તાહિર હુસૈનના મકાનના ધાબા પરથી પેટ્રોલ બોમ્બનો જથ્થો તેમજ પથ્થરોનો ઢગલો મળ્યો હોવાનો દાવો એક ટીવી ચેનલે કર્યો હતો.
આ ટીવી ચેનલે એવો દાવો પણ કર્યો હતો કે ઈન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારી અંકિત શર્માની હત્યામાં પણ તાહિર હુસૈનના ટેકેદારો સંડોવાયા હોઈ શકે છે. અંકિત શર્મા પર તાહિર હુસૈનના મકાનના ધાબા પરથી સતત પથ્થરમારો કરાયો હતો.
ચાંદબાગ વિસ્તારમાં આવેલા તાહિર હુસૈનના મકાન પર આ ટીવી ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી હતી અને એક વિડિયો ક્લીપ દ્વારા દર્શાવ્યું હતું કે 25મી ફેબ્રુઆરીએ આ મકાનના ધાબા પરથી સતત પથ્થરમારો થયો હતો અને અવારનવાર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવતા હતા. આ અંગે તાહિર હુસૈનનો સંપર્ક સાધવાના કેટલાક લોકોના પ્રયાસોને સફળતા મળી નહોતી.