For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં પાસ, હવે રાજ્યસભામાં અગ્નિ પરિક્ષા, આજે ગૃહમાં થઈ શકે છે રજૂ

ગઈકાલે લોકસભામાં આ બિલ લાંબી ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું હતું

વિપક્ષ ચર્ચા બાદ પણ વડાપ્રધાનના નિવેદન પર અડગ

Updated: Aug 4th, 2023

દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં પાસ, હવે રાજ્યસભામાં અગ્નિ પરિક્ષા, આજે ગૃહમાં થઈ શકે છે રજૂ

રાજધાની દિલ્હીમાં અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફરના મામલે લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણયને અંતિમ ગણીને નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી સરકાર સુધારો બિલ લોકસભામાં ગઈકાલે પસાર કરવામાં આવ્યું હતું. દિલ્હી બિલ પર સાડા ચાર કલાકની ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રીએ વિપક્ષના વલણ પર સવાલો ઉઠાવ્યા હતા. હવે આજે તમામની નજર રાજ્યસભા પર રહેશે.

દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે

કેન્દ્ર સરકાર આજે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કરે તેવી શક્યતા છે. BJD, TDP, YSRCPના સમર્થન અને BSPના દૂર રહેવાના નિર્ણયથી ઉપલા ગૃહમાં પણ બિલ પાસ થવાનો  રસ્તો સાફ થઈ ગયો છે. ગઈકાલે લોકસભાએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફરમાં લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણયને અંતિમ ગણવા સંબંધિત બિલને મંજૂરી આપી હતી.

વિપક્ષ નિયમ 167 હેઠળ ચર્ચા કરવા સંમત થયા

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા ગતિરોધને તોડવાની શક્યતાઓ છે. વિપક્ષે ગૃહની વિવાદ ખતમ કરવા માટે નવો પ્રસ્તાવ આપ્યો છે. જેમાં કોંગ્રેસ સહિત સંયુક્ત વિપક્ષ નિયમ 267 હેઠળ ચર્ચા કરવાના આગ્રહ સિવાય નિયમ 167 હેઠળ ચર્ચા કરવા સંમત થયા છે. નિયમ 167 હેઠળ ચર્ચા બાદ મતદાનની જોગવાઈ છે, પરંતુ વિપક્ષ ચર્ચા બાદ પણ વડાપ્રધાનના નિવેદન પર અડગ છે. ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી સાથે તેમની ચેમ્બરમાં બેઠકમાં વિપક્ષ દ્વારા ઉકેલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 

રાજ્યસભામાં થશે અગ્નિ પરીક્ષા

લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થઈ ગયું છે પરંતુ સરકારનો ખરો પડકાર રાજ્યસભામાં શરૂ થવા જઈ રહ્યો છે કારણ કે તેમાં તેની પાસે બહુમતી નથી. આ સ્થિતિમાં, તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે કે પર્યાપ્ત સંખ્યા કેવી રીતે એકત્રિત થાય છે. બીજી તરફ INDIA ગઠબંધનની એકતાના સંદર્ભમાં તે એક મોટી પરીક્ષા પણ સાબિત થઈ શકે છે. 

શું છે નંબર ગેમ, કોણ આગળ છે, કોણ પાછળ છે?

રાજ્યસભામાં હાલમાં 238 સાંસદો છે જેમાં BSPએ પહેલાથી જ મતદાનનો બહિષ્કાર કરવાની વાત કરી છે, આ સ્થિતિમાં તેનો એક સાંસદ માઈનસ થઈ જશે. હવે જ્યારે સંસદમાં કુલ આંકડો 237 પર છે ત્યારે બહુમતી માટે 119 સાંસદોની જરૂર છે. ભાજપ પાસે બહુમતનો આંકડો નથી અને તેના સાથી પક્ષોને પણ સામેલ કરવામાં આવે તો પણ આ આંકડો બંધ બેસતો નથી. પરંતુ ભાજપે BJD અને YSR કોંગ્રેસ બંનેનું સમર્થન પોતાના માટે એકત્ર કર્યું છે. આ સિવાય TDP પણ કેન્દ્રને સમર્થન આપવા જઈ રહી છે. આ કારણે નંબરોની રમત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ સાથે જ NDAનો કુલ આંકડો  129 સુધી પહોંચી શકે છે, એટલે કે બહુમતીથી ખૂબ આગળ છે. હાલમાં NDA પાસે બે અપક્ષ સાંસદોના સમર્થન સાથે 103 સભ્યો છે. આ સિવાય BJD અને YSR કોંગ્રેસના 9-9 સાંસદો પણ એકસાથે આવવાના છે. આ સ્થિતિમાં આંકડો કોઈપણ પડકાર વિના બહુમતી સુધી પહોંચી રહ્યો છે. આ ઉપરાંત NDAને પડકારી રહેલા ગઠબંધન INDIA પાસે તમામ જુગાડ કર્યા બાદ પણ 109 સાંસદો બાકી છે.

Gujarat