'પેટમાં કોંક્રિટના ટુકડાં ઘૂસ્યા, આંતરડા બહાર આવ્યા...' દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોની હાલત કેવી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Car Blast In Delhi’s Red Fort: દિલ્હીમાં સોમવારે (10મી નવેમ્બર) સાંજે લાલ કિલ્લા નજીક એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયાના અહેવાલ છે. હાલમાં લગભગ 24 લોકો સારવાર હેઠળ છે. પીડિતોની સારવાર દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં હોસ્પિટલના ડોક્ટર મનીષ ઝાએ જણાવ્યું હતું કે, '30થી વધુ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આમાંથી આઠ લોકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ લોકો સારવાર હેઠળ છે.'
એલએનજેપી હોસ્પિટલના ડોક્ટરે શું કહ્યું?
એલએનજેપી હોસ્પિટલના ડોક્ટર મનીષ ઝાએ જણાવ્યું હતું કે, 'ઘણાં ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે અને તેઓ ગંભીર રીતે દાઝી ગયા છે. ઘણાં ઈજાગ્રસ્તોના પેટમાં છરા અને કોંક્રિટના ટુકડા છે. મોટાભાગના ઘાયલોના પેટ અને પગમાં છરા ઘૂસી ગયા હતા. કેટલાકના આંતરડા પણ બહાર હતા અને તેમની સર્જરી ચાલી રહી છે. છરા દૂર કરવામાં આવી રહ્યા છે અને વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાતા રસાયણો અને તેના મોડ્યુલને નક્કી કરવા માટે તપાસ એજન્સીઓને સોંપવામાં આવી રહ્યા છે.'
દિલ્હી પોલીસ કમિશનરે વિસ્ફોટ અંગે માહિતી આપી
દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જણાવ્યું કે,'સોમવારે સાંજે લગભગ 6:52 વાગ્યે, ટ્રાફિક સિગ્નલ પર ધીમી ગતિએ ચાલતી કાર રોકાઈ ત્યારે અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટથી નજીકમાં પાર્ક કરેલા અનેક વાહનોને નુકસાન થયું. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) બધી એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલુ છે.'
પોલીસની મોટી કાર્યવાહી
રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અંગે પોલીસે કેસ નોંધ્યો છે. આ કેસ UAPA, વિસ્ફોટક અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે UAPA, વિસ્ફોટક અધિનિયમ અને BNS ની અન્ય કલમો હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.








