દિલ્હીના નવા CM રેખા ગુપ્તાના જૂના ટ્વિટ વાયરલ, લોકોએ કહ્યું- આ તો સમય રૈના કરતાં પણ ડાર્ક કોમેડી
Rekha Gupta New CM of Delhi: રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનશે. ગત કેટલાક દિવસોથી દિલ્હીને મહિલા મુખ્યમંત્રી મળવાની ચર્ચા હતી. અંતે શાલીમાર બાગ બેઠકથી જીતીને આવેલા રેખા ગુપ્તાએ દિલ્હીની રેસમાં બાજી મારી લીધી છે. રેખા ગુપ્તા આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ 12 વાગ્યે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
વાંધાજનક ભાષામાં રેખા ગુપ્તાની પોસ્ટ વાયરલ
મુખ્યમંત્રી માટે તેમના નામની જાહેરાત થતાં જ રેખા ગુપ્તાની જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. જેમાં તેમણે AAPના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જો કે હવે આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે. પરંતુ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ પર અભદ્ર ભાષાનો ઉપયોગ
વર્ષ 2016 અને 2019માં કરવામાં આવેલી રેખા ગુપ્તાની કેટલીક X પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ્સમાં તેમણે અરવિંદ કેજરીવાલ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અંગત પ્રહારો કર્યા હતા. 14 માર્ચ, 2019ના રોજ મનોજ તિવારીની એક પોસ્ટને રિપોસ્ટ કરતાં, રેખા ગુપ્તાએ લખ્યું, 'દિલ્હી તારા બાપની નથી કે તું અહીં મુખ્યમંત્રી બનીને વાહિયાત વાતો કરે છે. દિલ્હી જનતાની છે.'
આ સિવાય રેખા ગુપ્તાની 4 ઑક્ટોબર 2016ની પણ એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તેમણે કેજરીવાલના જન્મદિવસ ઉજવવા પે ખૂબ જ વ્યક્તિગત ટિપ્પણી કરી હતી.
દ્વારકાના પૂર્વ ધારાસભ્ય વિનય મિશ્રાએ કરી ટિપ્પણી
રેખા ગુપ્તાની X પ્રોફાઇલમાંથી હાલ આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તેની પોસ્ટના સ્ક્રીનશોટ બનાવીને વાયરલ કરી રહ્યા છે. AAP નેતા અને દ્વારકાના પૂર્વ ધારાસભ્ય વિનય મિશ્રાએ આ પોસ્ટ્સને લઈને રેખા ગુપ્તા પર નિશાન સાધતા લખ્યું હતું કે, 'દિલ્હીના નવા મુખ્યમંત્રીને મળો... મેડમ, આ છે તેમની પાર્ટીએ આપેલા સંસ્કાર અને ક્ષમતા. આ વિશ્વની સૌથી મોટી લોકશાહીની રાજધાનીના મુખ્યમંત્રીની ભાષા છે.'
જાણો કોણ છે રેખા ગુપ્તા
રેખા ગુપ્તા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા તે પહેલા ભાજપમાં તેમની કોઈ મોટી નામના ન હતી. જોકે, એવું પણ નથી કે પાર્ટીએ તેમને તક આપી નથી. રેખા ગુપ્તાને વર્ષ 2015 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ તે બંને ચૂંટણી હારી ગયા હતા. વર્ષ 2023માં, તેઓ મેયરની ચૂંટણીમાં પણ શૈલી ઓબેરોય સામે મેદાનમાં ઉતર્યા હતા. ત્યાં પણ રેખાને નિરાશ જ હાથ લાગી હતી. પરંતુ કોને ખબર હતી કે બે વર્ષ પહેલાં મેયરની ચૂંટણી ન જીતી શકનાર એ જ રેખા ગુપ્તા દિલ્હીમાં સત્તાના ટોચના સ્થાને બિરાજશે.
રેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રેખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય સભ્ય છે. વર્ષ 1996-97માં DUSUના ભૂતપૂર્વ મહાસચિવ અને પ્રમુખ રહી ચૂક્યા છે. 2003-2004 સુધી તેમણે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દિલ્હી રાજ્યના સચિવનું પદ સંભાળ્યું. ઉપરાંત 2004-2006માં તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ બન્યા. તેઓ 2007-2009 સુધી સતત બે વર્ષ માટે મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિ, MCDના અધ્યક્ષ બન્યા.
રેખા ગુપ્તા વર્ષ 2009માં દિલ્હી ભાજપ મહિલા મોરચાના મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ માર્ચ 2010થી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય છે. તે 2007 અને અને 2012માં ઉત્તર પ્રિતમપુરા(વોર્ડ 54)થી બે વાર ચૂંટાયેલા કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેઓ 2013થી સતત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે અને 2025માં જીત્યા છે. 1992માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા તેમણે પોતાની રાજકીય સફર શરુ કરી હતી.