તૂર્કિયેને મોટો ઝટકો! સેલેબી કંપનીની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્ટે કહ્યું- 'સરકારનો નિર્ણય દેશની સુરક્ષાના હિતમાં'
Celebi Security Clearance Order: તૂર્કિયેનની કંપની સેલેબીએ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ઉડ્ડયન નિયમનકાર BCAS ના સુરક્ષા મંજૂરી રદ કરવાના આદેશને પડકાર્યો હતો, દિલ્હી હાઈકોર્ટે સોમવારે આ અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સચિન દત્તાએ 23 મેના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો. આ પછી, આજે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
સેલેબી એવિએશન હોલ્ડિંગની સુરક્ષા મંજૂરી રદ
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકારે ભારતમાં કામ કરતી તૂર્કિયેની કંપની સેલેબી એવિએશન હોલ્ડિંગની સુરક્ષા મંજૂરી રદ કરી હતી. 21 મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી કરતા સેલેબી કંપનીએ દલીલ કરી હતી કે ભારત સરકારનો આ નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ 15 મે, 2025 ના રોજ સુરક્ષા મંજૂરી રદ કરી હતી.
સેલેબી એવિએશન શું છે અને ભારતમાં તેનું કામ શું હતું?
સેલેબી એવિએશન તૂર્કિયેની કંપની છે જે એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સેવાઓ પૂરી પાડે છે એટલે કે આ કંપની વિમાનોનું લેન્ડિંગ, મુસાફરોનું હેન્ડલિંગ, સામાન લોડિંગ-અનલોડિંગ અને કાર્ગો મેનેજમેન્ટ જેવા કામ કરે છે. સેલેબી છેલ્લા 17 વર્ષથી ભારતમાં કામ કરી રહી હતી.
કંપની દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ, ગોવા, કોચીન અને કન્નુર જેવા 9 મુખ્ય એરપોર્ટ પર કાર્યરત હતી. કંપની દર વર્ષે લગભગ 58,000 ફ્લાઇટ્સ અને 5.4 લાખ ટન કાર્ગોનું સંચાલન કરતી હતી. ભારતમાં તેના 14,000 કર્મચારીઓ કામ કરે છે, જે બધા ભારતીય છે.
રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં મંજૂરી રદ કરવાનો નિર્ણય
કેન્દ્ર સરકારે 15 મે, 2025 ના રોજ, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા, સેલેબી અને તેની સહયોગી કંપનીઓની સુરક્ષા મંજૂરી રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપીને રદ કરી હતી.
આ પણ વાંચો: VIDEO : મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ દરમિયાન તૂર્કિયેએ ભારતની કાર્યવાહીની નિંદા કરતા પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. જેથી ભારત સરકારે તૂર્કિયેએ સાથે સંકળાયેલી કંપનીઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં ન હોવાનું જણાતા તેની મંજૂરી રદ કરવાનો નિર્ણય લીધો.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, 'સરકારને ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય અને એરપોર્ટ સુરક્ષા સંબંધિત એક ખાસ બાબત છે.'
રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે, આથી સાવચેત રહેવું વધુ સારું છે
કેન્દ્રએ 19 મેના રોજ કહ્યું હતું કે, 'મંજૂરી રદ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં લેવામાં આવ્યો હતો, કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં અરજદાર કંપનીઓની સેવાઓ ચાલુ રાખવી જોખમી રહેશે.' 7 જુલાઈ, 2025ના રોજ, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સચિન દત્તાએ સેલેબીની અરજી ફગાવી દેતા કહ્યું કે, 'રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે. આથી સાવચેત રહેવું વધુ સારું છે.'