Get The App

મંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતાએ પહેલા AAP અને હવે બસપા છોડી, છેવટે કેસરિયો ધારણ કરીને ઝંપ્યા

Updated: Jul 10th, 2024

GS TEAM


Google News
Google News
મંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતાએ પહેલા AAP અને હવે બસપા છોડી, છેવટે કેસરિયો ધારણ કરીને ઝંપ્યા 1 - image


Rajkumar Anand Join BJP | દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાઇ ગયા છે. તેમની સાથે તેમની પત્ની વીણા આનંદ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના અન્ય કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. આવતા વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકુમાર આનંદના ભાજપમાં જોડાવું આમ આદમી પાર્ટી માટે એક મોટો ઝટકો મનાઈ રહ્યું છે. 

આપમાંથી રાજીનામું મૂકી બસપામાં જોડાયા હતા 

ગત એપ્રિલ મહિનામાં રાજ કુમાર આનંદે AAP સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદે આપ સરકારમાંથી રાજીનામું આપતી વખતે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર અંગે દિલ્હી સરકારની નીતિ સાથે સહમત નથી. જોકે, આમ આદમી પાર્ટી છોડીને રાજકુમાર આનંદ BSPમાં જોડાયા હતા. તે સમયે પણ એવી અટકળો હતી કે રાજકુમાર આનંદ ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ તે સમયે તેઓ હાથી પર સવાર હતા. હવે રાજકુમાર આનંદ તેમની પત્ની સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. બસપામાં જોડાયા બાદ રાજકુમાર આનંદે પણ નવી દિલ્હી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી.

તેમની સાથે સાથે કોણ કોણ ભાજપમાં જોડાયું 

રાજકુમાર આનંદની સાથે સાથે આપના ધારાસભ્ય કરતાર સિંહ તંવાર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને આપ કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. 

આપ છોડતાં શું કહ્યું હતું? 

બસપામાં જોડાયા બાદ રાજકુમાર આનંદે કહ્યું હતું કે આ મારી ઘરવાપસી છે. AAPમાંથી રાજીનામું આપ્યા બાદ રાજકુમાર આનંદે કહ્યું હતું કે AAPમાં દલિત ધારાસભ્યો, મંત્રીઓ અને અન્ય નેતાઓનું સન્માન થતું નથી. અરવિંદ કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રહેલા રાજકુમાર આનંદ 2020માં પહેલીવાર પટેલ નગર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકુમાર આનંદના પત્ની પણ આ જ વિધાનસભા સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આપ નેતાઓએ ત્યારે જ ભવિષ્યવાણી કરી દીધી હતી! 

રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટીમાંથી એવા સમયે રાજીનામું આપ્યું હતું જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય પાર્ટીના ઘણા નેતાઓ જેલમાં હતા. રાજકુમાર આનંદે AAP છોડ્યા બાદ સૌરભ ભારદ્વાજ અને સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે તપાસ એજન્સીઓના દબાણમાં રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટી છોડી દીધી હતી. તે સમયે AAP નેતાઓએ એમ પણ કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રાજકુમાર આનંદના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતા. AAP નેતાઓએ કહ્યું હતું કે રાજકુમાર આનંદ ડરી ગયા છે અને તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. જો કે, AAP છોડ્યાના થોડા દિવસો પછી, રાજકુમાર આનંદે અચાનક BSPમાં જોડાઈને બધાને ચોંકાવી દીધા હતા.

મંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતાએ પહેલા AAP અને હવે બસપા છોડી, છેવટે કેસરિયો ધારણ કરીને ઝંપ્યા 2 - image

Tags :