Updated: Feb 28th, 2023
![]() |
Image - Facebook and wikipedia |
નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી-2023, મંગળવાર
છેલ્લા ઘણા સમયથી દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. દિલ્હીની કેજરીવાલ સરકાર સતત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સહિતના આરોપોનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની 8 કલાક પુછપરછ કરાયા બાદ ધરપકડ કરાઈ હતી ત્યાર બાદ તેમના રિમાન્ડ પણ મંજુર થઈ ગયા હતા, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી પદેથી મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું છે. આ સાથે દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે. ધરપકડ બાદ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધું છે.
ધરપકડના વિરોધમાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા
દરમિયાન દિલ્હી લિકર પોલીસી મામલે પૂછપરછ દરમિયાન સહયોગ ન કરવા બદલ રવિવારે CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. પોતાની ધરપકડના વિરોધમાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યા હતા. તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલ્દી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું કે, તેઓ હાઈકોર્ટમાં જાય અથવા અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવે. જોકે, એડવોકેટ સિંઘવીની વિનંતી પર ચીફ જસ્ટિસે થોડા સમય બાદ સુનાવણી કરવાની વાત કરી હતી. મનીષ સિસોદિયાના પક્ષનું કહેવું છે કે, મનીષ તપાસમાં સહકાર આપી રહ્યા હતા તેથી તેની ધરપકડ ગેરકાયદેસર છે. જ્યારે સીબીઆઈએ મનીષ સિસોદિયાના રિમાન્ડ એ કહીને લીધા હતા કે, તેઓ સવાલોના સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા અને તપાસમાં સહકાર પણ નથી આપી રહ્યા. મનીષ સિસોદિયાની અરજી પર તાત્કાલિક સુનાવણી માટે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
સિસોદિયા 5 દિવસના રમાન્ડ પર
CBI કોર્ટે ગઈ કાલે મનીષ સિસોદિયાને 5 દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા હતા. જો કે, પૂછપરછ દરમિયાન અધિકારીઓએ CBI કોર્ટના આદેશનું પાલન કરવું પડશે. આદેશ મુજબ CBI સિસોદિયાની પૂછપરછ માત્ર તે જ જગ્યાએ કરી શકે છે જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય અને ફૂટેજ સાચવી શકાય. સિસોદિયાની દર બે દિવસે મેડિકલ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સિસોદિયા દરરોજ સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે અડધા કલાક સુધી પોતાના વકીલોને મળી શકે છે. આ દરમિયાન સીબીઆઈના લોકો તેમની વાતચીત સાંભળી ન શકે. સિસોદિયાને દરરોજ 15 મિનિટ માટે તેમની પત્ની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સિસોદિયા વિરુધ શું હતા આરોપ?
મનીષ સિસોદિયા પર દારૂની દુકાનોનું લાયસન્સ લેનારાઓને ફાયદો પહોચાડવાનો આરોપ લાગ્યા, તેમની પર વિદેશી દારૂની કિંમતમાં બદલાવ કરી અને બીયરથી આયાત શુલ્ક હટાવવાનો આરોપ છે, જેને કારણે વિદેશી દારૂ અને બીયર સસ્તી થઇ ગઇ હતી. સિસોદિયા પર 144.36 કરોડ રૂપિયાની લાયસન્સ ફી માફ કરવાનો પણ આરોપ છે.
મની લોન્ડરિંગ મામલે આરોગ્ય મંત્રી પહેલાથી જ જેલમાં
દરમિયાન આજે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં ગત 30મી મેથી જેલમાં છે. તેમના પર આરોપ છે કે, તેમણે ખોટી રીતે ખેતીની જમીન પણ ખરીદી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. જોકે CM કેજરીવાલ સતત સત્યેન્દ્ર જૈનને ઈમાનદાર કહી રહ્યા છે. કેજરીવાલે દાવો કર્યો છે કે, રાજકીય ષડયંત્રના ભાગરૂપે જૈન વિરુદ્ધ આરોપો લગાવાયા છે. કેજરીવાલ સરકાર પર સત્યેન્દ્ર જૈનને જેલમાં જ વિશેષ સુવિધાઓ આપવાનો આરોપ પણ લાગી ચુક્યો છે, જે અંગેના જેલના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા, જેમાં સત્યેન્દ્ર જૈનનો મસાજ કરતો વીડિયો જોવા મળી રહ્યો છે.