Get The App

દિલ્હી: ડોક્ટરની આત્મહત્યા મામલે કોર્ટે AAP ધારાસભ્ય પ્રકાશ જારવાલને દોષી ઠેરવ્યો

- આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલ સહીત કુલ ત્રણ લોકોને આ મામલે દોષી ઠેરવવામાં આવ્યા

Updated: Feb 28th, 2024

GS TEAM

Google News
Google News
દિલ્હી: ડોક્ટરની આત્મહત્યા મામલે કોર્ટે AAP ધારાસભ્ય પ્રકાશ જારવાલને દોષી ઠેરવ્યો 1 - image

Image Source: Twitter

નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર

દિલ્હીમાં એક ડોક્ટરની આત્મહત્યા મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે આજે ડોક્ટરની આત્મહત્યા મામલે AAPના ધારાસભ્ય પ્રકાશ જારવાલને દોષી ઠેરવ્યો છે. રાઉઝ એવેન્યુ કોર્ટે પ્રકાશ જારવાલને IPCની કલમ 306 અને 120B હેઠળ દોષી ઠેરવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલ સહીત કુલ ત્રણ લોકોને આ મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે. 

આ કેસ ચાર વર્ષ જૂનો છે. 18 એપ્રિલ 2020 ના રોજ દક્ષિણ દિલ્હીના દુર્ગા વિહારમાં રહેતા 52 વર્ષીય ડોક્ટરે આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં ડોક્ટરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલ પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે જારવાલ અને તેના સહયોગીઓ સામે છેડતી અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. મૃતક ડોક્ટર ટેન્કર સપ્લાયના વ્યવસાય સાથે  પણ સંકળાયેલો હતો. એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ટેન્કર સપ્લાયના મામલે જ તેમની પાસેથી વસૂલી કરવામાં આવી રહી હતી અને તેમને એટલો પરેશાન કરવામાં આવ્યો કે, ડોક્ટરને આત્મહત્યા કરવા મજબૂર  બનવું પડ્યું. પોલીસને ડોક્ટરના ઘરેથી એક સુસાઈડ નોટ મળી હતી. આ સુસાઈડ નોટમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતા પ્રકાશ જારવાલ તેમના મોત માટે જવાબદાર છે.