CM રેખા ગુપ્તાના સરકારી બંગલાનું નહીં થાય રિનોવેશન, 60 લાખના ખર્ચાવાળું ટેન્ડર રદ, જાણો કારણ
Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને રાજ નિવાસ માર્ગ પર નવા સત્તાવાર બંગલા નંબર 1 મળ્યો હતો. તેના રિનોવેશન અને સજાવવા માટે 60 લાખ રૂપિયાના ખર્ચનું ટેન્ડર જાહેર કરાયું હતું. હવે માહિતી મળી રહી છે કે, આ ટેન્ડરને લોક નિર્માણ વિભાગ તરફથી રદ કરી દેવાયું છે. ટેન્ડરને રદ કરવાનું કારણ, વહીવટી કારણ જણાવાયું છે.
બંગલાના સુશોભન અને ફર્નિશિંગ માટે 60 લાખ રૂપિયા ખર્ચ કરવાના હતા. બે ટનના 24 એસી, 5 મોટા એચડી ટીવી, 6 ગીઝર અને ઝુમ્મર સહિત તમામ પ્રકારની લાઇટ્સ લગાવવાના હતા. આ નવીનીકરણમાં, મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને તમામ પ્રકારના ઇલેક્ટ્રિકલ સંબંધિત કામ કરવાનું હતું. તેનો કુલ ખર્ચ 5940170 રૂપિયા થવાનો હતો, જે વહીવટી કારણોસર રદ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, રેખા ગુપ્તાના સરકારી આવાસ પર 60 લાખ રૂપિયા ખર્ચ થવાની વાત સામે આવતા જ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું હતું. ભાજપે વિધાનસભા ચૂંટણી દરમિયાન શીશમહેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના ઉલટા મુખ્યમંત્રી રેખાના આવાસ પર ખર્ચની વાત સામે આવવા પર આમ આદમી પાર્ટીએ માયામહેલનું નામ આપીને કટાક્ષ કરીને ઘેરવાનું શરૂ કરી દીધું.
આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસના નેતા પણ કૂદી પડ્યા હતા. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને X પર એક પોસ્ટમાં કહ્યું કે, 'શીશમહેલ' કરતા કરતા તેઓ પોતાના માટે રંગમહેલ બનાવી રહ્યા છે. જે દિલ્હીના લોકો પોતાના ઘર પર બુલડોઝરની કાર્યવાહી સામે લડી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી રેખા ગુપ્તા એક નહીં બે બંગલામાં સાથે મળીને રહેશે અને રિનોવેશન સાંભળીને તમારા હોશ ઉડી જશે.