'કંઇક બોલતા બોલતા અચાનક તેણે થપ્પડ મારી...' દિલ્હી CM પર હુમલાની પ્રત્યક્ષદર્શીઓએ આંખોદેખી વર્ણવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi CM Rekha Gupta slapped : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બુધવારે (20 ઓગસ્ટ) સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોકદરબાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખસે તેમના પર હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિએ પહેલા સીએમને કેટલાક કાગળો આપ્યા અને પછી અચાનક તેમને થપ્પડ મારી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ત્યાં હાજર રહેલા અન્ય લોકોના નિવેદનો પણ સામે આવ્યા છે.
રેખાજી સંપૂર્ણપણે આઘાતમાં હતા
ત્યાં હાજર લોકોએ આ ઘટનાને ખૂબ જ ચોંકાવનારી ગણાવી. લોકદરબારમાં ભાગ લેવા આવેલ અંજલીએ કહ્યું, 'આ તદ્દન ખોટું છે. લોકદરબાર દરેક નાગરિકનો અધિકાર છે. જો કોઈ વ્યક્તિ સીએમને થપ્પડ મારી શકે, તો આ બહુ મોટી વાત છે. હું ત્યાં હતી, તે વ્યક્તિ કંઈક બોલી રહ્યો હતો અને અચાનક તેણે થપ્પડ મારી દીધી. પોલીસે તેને તરત જ પકડી લીધો. સીએમ લોકોની વાત સાંભળી રહ્યા હતા. અચાનક પાછળથી અવાજ આવ્યો અને અમે જોયું ત્યાં સુધીમાં તો પોલીસ હુમલાખોરને લઈ ગઈ હતી. રેખાજી સંપૂર્ણપણે આઘાતમાં હતા.'
અન્ય એક પ્રત્યક્ષદર્શી સુરેશ ખંડેલવાલએ કહ્યું, 'હું અહીં પહોંચ્યો અને તરત જ મુખ્યમંત્રી બહાર આવ્યા. તેમણે લોકો સાથે મળવાનું શરૂ કર્યું. આરોપી તકની રાહ જોઈ રહ્યો હતો અને તક મળતા જ તેણે સીએમ પર હુમલો કરી દીધો. આ લગભગ સવારે 8:05 - 8:10 વાગ્યે બન્યું. પોલીસ તેને લઈ ગઈ...'
ઉત્તમ નગરથી પોતાની ફરિયાદ લઈને આવેલા શૈલેન્દ્ર કુમારએ જણાવ્યું, 'હું સીવરની સમસ્યાને લઈને આવ્યો હતો. જેવો હું ગેટ પર પહોંચ્યો, ત્યાં હંગામો મચી ગયો કારણ કે કોઈએ સીએમને થપ્પડ મારી દીધી હતી. આ બહુ ખોટું છે.'
લોકદરબારમાં શું થયું?
સિવિલ લાઇન્સમાં સીએમના નિવાસસ્થાને દર અઠવાડિયે થતા લોકદરબારમાં સેંકડો લોકો પોતાની ફરિયાદો લઈને આવે છે. આ દરમિયાન, આરોપીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને કેટલાક કાગળો આપ્યા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, તે કંઈક બોલી રહ્યો હતો અને ત્યારબાદ અચાનક તેણે સીએમ પર હુમલો કરી દીધો. દિલ્હી ભાજપે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે હુમલાખોરે રેખા ગુપ્તાને થપ્પડ મારી અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો.
આ પણ વાંચો: દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો
આરોપી પોલીસ કસ્ટડીમાં
દિલ્હી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો. દિલ્હી સીએમઓ અનુસાર, આજે લોકદરબાર દરમિયાન એક વ્યક્તિએ સીએમ રેખા ગુપ્તા પર હુમલો કર્યો. આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે 41 વર્ષનો આરોપી રાજકોટનો રહેવાસી છે અને તેનું નામ રાજેશભાઈ ખિમજી છે.








