મધ્ય પ્રદેશના રાજકારણમાં 'મામા' બાદ હવે 'ચાચા'ની એન્ટ્રી, જાણો કોણ છે આ નેતા
Image Source: Twitter
- હું સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ બનાવીશ અને મધ્ય પ્રદેશના યુવાનોને નોકરી પણ આપીશ: અરવિંદ કેજરીવાલ
ભોપાલ, તા. 21 ઓગષ્ટ 2023, સોમવાર
મધ્ય પ્રદેશમાં હવે ભાવનાત્મક રાજકારણની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પોતાને બહેનોનાં ભાઈ અને બાળકોના મામા કહીને સંબોધિત કરતા હતા. પરંતુ હવે રાજ્યના રાજકારણમાં 'ચાચા'ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાને મધ્ય પ્રદેશના ચાચા ગણાવ્યા છે. રાજ્યના સતનામાં આયોજિત સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, મામા પર વિશ્વાસ ન કરશો હવે તમારા ચાચા આવી ગયા છે. તમારા ચાચા પર વિશ્વાસ કરો. હું સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ બનાવીશ અને મધ્ય પ્રદેશના યુવાનોને નોકરી પણ આપીશ.
અરવિંદ કેજરીવાલે સતનામાં 10 વચનો આપ્યા
કાર્યક્રમ દરમિયાન દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે સતનાની જનતાને 10 વચનો આપ્યા છે. તેમાં ફ્રી વીજળી, શિક્ષકોને સ્થાનિક નોકરી, તપાસ-સારવાર અને દવા ફ્રી, બેરોજગારને દર મહિને 3 હજાર રૂપિયા, ભ્રષ્ટાચાર બંધ, વૃદ્ધોને તીર્થયાત્રા, શહીદોને એક કરોડની સમ્માન નિધિ વગેરે સામેલ છે.
અરવિંદ કેજરીવાલના લાડકા યુવાન
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસનું રાજ્યની મહિલાઓ પર ફોકસ છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જ્યાં 'લાડલી બહના યોજના' જાહેર કરીને દર મહિને એક હજાર રૂપિયા આપવાની સાથે આ રકમ 3 હજાર રૂપિયા સુધી પહોંચાડવાનું વચન આપ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ દર મહિને 1500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. ત્યારે હવે આ શૃંખલામાં દિલ્હીના સીએમ કેડરીવાલ પણ મેદાનમાં ઉતર્યા છે. જોકે, અરવિંદ કેજરીવાલે મહિલાઓને નજર અંદાજ કરી યુવાઓ પર ફોકસ કર્યું છે. અરવિંદ કેજરીવાલે યુવાઓ પર ફોકસ કરતા કહ્યું કે, રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો યુવાઓને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે.