India

1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડિંગ

By GS TEAM
29 Oct 20252 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે ગઈકાલે મંગળવારે હાથ ધરાયેલો કૃત્રિમ વરસાદનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. જેના પગલે આઇઆઇટી, કાનપુરે આજે બુધવારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ સ્થગિત કર્યો હતો. કૃત્રિમ વરસાદ (ક્લાઉડ સીડિંગ) નિષ્ફળ રહ્યું હોવા પાછળનું કારણ યોગ્ય હવામાનનો અભાવ હોવાનું આઇઆઇટીએ જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડિંગ

New Delhi Cloud Seeding: નવી દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે ગઈકાલે મંગળવારે હાથ ધરાયેલો કૃત્રિમ વરસાદનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. જેના પગલે આઇઆઇટી, કાનપુરે આજે બુધવારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ સ્થગિત કર્યો હતો. કૃત્રિમ વરસાદ (ક્લાઉડ સીડિંગ) નિષ્ફળ રહ્યું હોવા પાછળનું કારણ યોગ્ય હવામાનનો અભાવ હોવાનું આઇઆઇટીએ જણાવ્યું છે.

1.28 કરોડનો ખર્ચ માથે પડ્યો

દિલ્હી સરકારે રાજ્યમાં પ્રદુષણ ઘટાડવા માટે આઇઆઇટી કાનપુર સાથે મળી ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ વરસાદ) પ્રક્રિયા હાથ ધરી હતી. મંગળવારે બે ક્લાઉડ સીડિંગ થયા હતા. જેની પાછળ કુલ રૂ. 1.28 કરોડનો ખર્ચ થયો હતો. તેમ છતાં વરસાદ ન પડતાં આ ખર્ચ માથે પડ્યો છે. આઇઆઇટી કાનપુરે ક્લાઉડ સીડિંગનો પ્રયાસ નિષ્ફળ થયો હોવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, વાદળોમાં ભેજનું પ્રમાણ પર્યાપ્ત ન થતાં તેમજ માફક હવામાનના અભાવના કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. વાદળોમાં ભેજનું પ્રમાણ માત્ર 15થી 20 ટકા જ હતું. જેના લીધે ગઈકાલે વરસાદ થઈ શક્યો નહીં.

ક્લાઉડ સીડિંગથી પ્રદુષણ ઘટશે

ઇન્સ્ટીટ્યુટના રિપોર્ટ અનુસાર, ક્લાઉડ સીડિંગના કારણે વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ નોંધનીય રીતે ઘટે છે. જેમાં PM2.5 અને PM10 પ્રદુષકોમાં પણ ઘટાડો થાય છે. દિલ્હીમાં સ્થાપિત મોનિટરિંગ સ્ટેશનોએ હવામાનમાં રજકણો અને ભેજના સ્તરમાં થતા ફેરફારોને કેદ કર્યા છે. ક્લાઉડ સીડિંગના કારણે PM2.5 અને PM10 સાંદ્રતામાં 6થી 10 ટકાનો માપી શકાય તેવો ઘટાડો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે મર્યાદિત ભેજની સ્થિતિમાં પણ ક્લાઉડ સીડિંગ હવાની ગુણવત્તામાં સુધારો લાવવામાં ફાળો આપી શકે છે.

દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ વધુ

દિલ્હીમાં ક્લાઉડ સીડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ આજે બુધવારે સવારે મોટાભાગના સ્થળોમાં પ્રદુષણનું પ્રમાણ 'અત્યંત ખરાબ' અને 'ખરાબ' રહ્યું હતું. આજે બપોરે 12.00 વાગ્યે આનંદ વિહારનો AQI 316 સાથે અત્યંત ખરાબ કેટેગરીમાં નોંધાયો હતો. જ્યારે આઇટીઓ 300થી વધુ નોંધાયો હતો. આરકે પુરણમાં  AQI 305 અને વઝીરપુરમાં 332 નોંધાવ્યો હતો, જેના કારણે આ બંને વિસ્તારોની હવા 'ખૂબ જ ખરાબ' કેટેગરીમાં આવી ગઈ હતી. નવી દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) II ધોરણો પહેલાથી જ અમલમાં હોવા છતાં પ્રદુષણમાં નોંધનીય ઘટાડો નોંધાયો નથી. વધુમાં, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ નવી દિલ્હીની બહાર BS-VI ઉત્સર્જન ધોરણોનું પાલન ન કરતાં રજિસ્ટર્ડ કોમર્શિયલ ગુડ્સ વ્હિકલ્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.