દિલ્હી વિસ્ફોટ 'આત્મઘાતી હુમલો', મહિલા આતંકીની સંડોવણી

- દિલ્હી વિસ્ફોટમાં આંતરરાજ્ય આતંકી નેટવર્કનો પર્દાફાશ, એનઆઈએને તપાસ
- ફરિદાબાદમાં દરોડા પછી ડો. ઉમર પકડાઈ જવાના ડરથી એમોનિયમ નાઈટ્રેટ-આઈઈડી સાથે ભાગવા જતા અકસ્માતે વિસ્ફોટ થયાનો એજન્સીઓનો દાવો
નવી દિલ્હી : રાજધાની દિલ્હી સોમવારે સાંજે એનડીએ સરકારના શાસનમાં પહેલી વખત આતંકી હુમલાથી હચમચી ઊઠી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે અધિકારીઓ સાથે બેઠક કરીને આ વિસ્ફોટની તપાસ એનઆઈએને સોંપી છે. આ કથિત આતંકી હુમલાની કડીઓ પુલવામાના ડોક્ટર ઉમર મોહમ્મદ સુધી લંબાઈ છે, જેણે આત્મઘાતી હુમલો કર્યો હોવાનું મનાય છે. પોલીસ સૂત્રો દિલ્હી વિસ્ફોટને ગાંધીનગરમાંથી પકડાયેલા ૩ આતંકી તથા સોમવારે સવારે ફરિદાબાદમાંથી જપ્ત કરાયેલા ૨૯૦૦ કિલો વિસ્ફોટકો સાથે સંબંધ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. આ હુમલામાં જૈશની મહિલા આતંકીની સંડોવણી હોવાનું પણ મનાય છે.
દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૧૨ થઈ ગયો છે અને ૨૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ પછી સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાઈ છે. દિલ્હી, જમ્મુ-કાશ્મીર, ફરિદાબાદની પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી છે અને એજન્સીઓ કથિત આતંકી હુમલાના શકમંદોની શોધમાં લાગી ગઈ છે. દિલ્હી પોલીસે આ કેસમાં મંગળવારે યુએપીએ હેઠળ એફઆઈઆર નોંધાઈ છે, જેમાં બોમ્બ બ્લાસ્ટથી વિસ્ફોટ થયો હોવાનું જણાવાયું છે. ફોરેન્સિક વિભાગે ઘટના સ્થળેથી વિસ્ફોટમાં વપરાયેલી આઈ-૨૦ કારના ટાયર, બોનેટની તપાસ શરૂ કરી છે અને ઘટના સ્થળેથી ૪૨ સેમ્પલ લીધા હતા.
બીજીબાજુ દિલ્હી પોલીસે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ અને દેશમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ઘટસ્ફોટ થયેલા આંતરરાજ્ય આતંકી નેટવર્કનો પર્દાફાશ કરતી ઘટનાઓને કોઈ સંબંધ છે કે નહીં તે તપાસવા માટે ફરિદાબાદ અને ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો. દિલ્હીમાં વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી રવિવારે એક ડોક્ટર સહિત ત્રણ આંતકીઓની ધરપકડ કરાઈ હતી જ્યારે સોમવારે સવારે દિલ્હીથી માત્ર ૩૦ કિ.મી. દૂર હરિયાણાના ફરિદાબાદમાંથી ૨૯૦૦ કિલોના વિસ્ફોટકો ઝડપાયા હતા.
તપાસ એજન્સીઓનું માનવું છે કે કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જૈશ-એ-મોહમ્મદ તથા અંસાર ગઝવાત-ઉલ-હિંદના 'વ્હાઈટ કોલર' ટેરર મોડયુલનો પર્દાફાશ કરતા જમ્મુ-કાશ્મીર અને ફરિદાબાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એમોનિયમ નાઈટ્રેટ સહિત ૨૯૦૦ કિલો વિસ્ફોટકો ઝડપાયા હતા તથા પોલીસે ત્રણ ડોક્ટર સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. ત્રણ ડૉક્ટરોમાં ફરિદાબાદમાં અલ-ફલહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડૉ. મુઝમ્મિલ ગનઈ અને ડૉ. શાહીન સૈયદનો સમાવેશ થાય છે. ડૉ. શાહન સૈયદને ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા વિંગ 'જમાત-ઉલ-મોમિનીન'ની જવાબદારી સોંપાઈ હોવાનો તપાસ એજન્સીનો દાવો છે.
ડૉ. ઉમર નબી પણ અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલો હતો. ફરિદાબાદમાં આતંકી નેટવર્કનો પર્દાફાશ થતાં ડૉ. ઉમર નબી પકડાઈ જવાના ડરથી આઈઈડી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો લઈને ક્યાંક બીજે જતો હશે ત્યારે લાલ કિલ્લા પાસે અકસ્માતે વિસ્ફોટ થઈ ગયો હશે તેમ તપાસ એજન્સીઓનું માનવું છે. તપાસકારોનું કહેવું છે કે આ ઘટનાક્રમ ખૂબ જ મહત્વનો છે, કારણ કે તેનાથી તપાસની દિશા આત્મઘાતી હુમલાના બદલે અકસ્માતે વિસ્ફોટ તરફ જઈ શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે એનઆઈએ, એનએસજી, દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. અમિત શાહે અધિકારીઓને આ હુમલામાં સંડોવાયેલી કોઈપણ વ્યક્તિ બચવી જોઈએ નહીં તેવા નિર્દેશ આપ્યા. આ વિસ્ફોટ જે કારમાં થયો હતો તે આઈ૨૦નો માલિક ડોક્ટર ઉમર વિસ્ફોટમાં જ માર્યો ગયો હોવાનું મનાય છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે ડોક્ટર ઉમરની માતાના ડીએનએ સેમ્પલ મેળવ્યા હતા. શ્રીનગરમાં એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, દિલ્હીમાં વિસ્ફોટના સ્થળેથી મળેલો એક મૃતદેહ ડૉ. ઉમર ગનીનો જ છે કે કેમ તે જાણવા માટે તેની માતાના ડીએનએ સેમ્પલ લેવાયા છે. વધુમાં જમ્મુ-કાશ્મીર પોલીસે ડો. ઉમરની માતા, ભાઈ અને બનેવીની અટકાયત કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ભરતીનો પ્રયાસ
મૌલવી ઈરફાને આતંકી જૂથમાં કટ્ટરવાદી ડોક્ટરોની ભરતી કરી
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટ કેસની તપાસમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની મોટાપાયે ભરતી હાથ ધરાઈ હોવાનો ઘટસ્ફોટ કરાયો છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે મૌલવી ઈરફાન અહેમદ જીએમસી શ્રીનગરમાં પેરામેડિકલ છે, જેણે કટ્ટરવાદી અભિયાન ચલાવ્યું હતું અને આતંકી જૂથમાં ડોક્ટરોની ભરતી કરી હતી. મૌલવી ઈરફાન નૌગતમાં એક મસ્જીદમાં ઈમામ પણ છે. તે જીએમસી શ્રીનગરમાં બધા જ વિદ્યાર્થીઓના સંપર્કમાં હતો. આ જ કારણથી આતંકી જૂથ 'રેડિકલ ડોક્ટર ગ્રુપ'માં મોટાપાયે ડોક્ટરોની ભરતી કરાઈ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદના મોડયુલનો પર્દાફાશ કરવા માટે હાથ ધરેલી તપાસમાં મૌલવી ઈરફાન અહેમદનું નામ સામે આવ્યું હતું. પોલીસનું માનવું છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહરે મૌલવી ઈરફાનને ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખનું નેટવર્ક ફેલાવવા ડો. શાહીનની ભરતી કરવાનું કામ સોંપ્યું હતું.
આતંકીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અડ્ડો બનાવ્યો
વ્હાઈટ કોલર ટેરર : 'રેડિકલ ડોક્ટર ગ્રુપ'ના છ ડોક્ટરોની ધરપકડ કરાઈ
- જૈશના આતંકી મોડયુલની તપાસમાં અલ-ફલાહ યુનિ.માંથી છની અટકાયત, બાવનની પૂછપરછ કરાઈ
નવી દિલ્હી : દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટમાં માર્યો ગયેલ ડોક્ટર ઉમર મોહમ્મદ એક કટ્ટરપંથી ડોક્ટરોના ગુપ્ત નેટવર્ક સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. ફરિદાબાદમાં જમ્મુ-કાશ્મીર તથા ફરિદાબાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ૨૯૦૦ કિલો વિસ્ફોટકો જપ્ત થતાં ડોક્ટર ઉમર ગભરાઈ ગયો અને આ ડરમાં તેની પાસેના વિસ્ફોટકો સાથે ભાગવા જતા લાલ કિલ્લા નજીક વિસ્ફોટ થયો હોવાની શક્યતા છે તેમ તપાસ એજન્સીઓનું માનવું છે.
જૈશ-એ-મોહમ્મદના આ આતંકી નેટવર્ક સામે જમ્મુ-કાશ્મીર પોલીસ અને ફરિદાબાદ પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં છ ડોક્ટરોની ધરપકડ થઈ છે, જેમાં ડો. ઉમલ ગુલ નબી ડાર, ડો. આદિલ અહેમદ, ડો. મુઝમ્મિલ ગનઈ, મહિલા ડોક્ટર શાહીન શાહીદની ફરિદાબાદમાંથી ધરપકડ થઈ હતી જ્યારે ડો. ઉમરના મિત્ર ડો. સજ્જાદ અહમદ માલાની પુલવામાથી અટકાયત કરાઈ હતી. આ બધા જ ડોક્ટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામમાં 'રેડિકલ ડોક્ટર ગ્રુપ' નામની ચેનલ સાથે જોડાયેલા હતા. આ ડોક્ટરો ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ પરસ્પર વાતચીત માટે કરતા હતા. જોકે, આ ચેનલ સાથે કેટલા લોકો જોડાયેલા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, તપાસ એજન્સીઓ આ બાબત ડીકોડ કરી લેશે તો વધુ મોટા અને ચોંકાવનારા નામ ખુલવાની આશંકા છે.
દરમિયાન ડો. ઉમર મોહમ્મદ, ડો. મુઝમ્મિલ ગનઈ અને ડો. શાહીન શાહીદ ફરિદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાથી ફરિદાબાદ પોલીસે યુનિવર્સિટી પર દરોડો પાડયો હતો અને ડો. મુઝમ્મિલ ગનઈ સાથે કામ કરતા વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ અને ફેકલ્ટી સભ્યોની પૂછપરછ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે પોલીસ યુનિવર્સિટીમાંથી બાવન લોકોની પૂછપરછ કરી હતી અને છ લોકોની અટકાયત કરી હતી.

