દિલ્હી બ્લાસ્ટ કેસ: 'અલ ફલાહ ગ્રુપનો ચેરમેન વિદેશ ભાગવાની ફિરાકમાં હતો', કોર્ટમાં EDના ચોંકાવનારા ખુલાસા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Blast Case : દિલ્હી બ્લાસ્ટ કેસમાં ફરીદાબાદ સ્થિત અલ ફલાહ યુનિવર્સિટીની ભૂમિકા સામે આવ્યા બાદ NIA અને ED દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસના ભાગરૂપે EDએ મંગળવારે મોડી રાત્રે અલ ફલાહ ગ્રુપના ચેરપર્સન જવાદ અહમદ સિદ્દિકીની ધરપકડ કરી છે. બુધવારે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાંથી તેને 13 દિવસની ED કસ્ટડીમાં મોકલી દેવાયો છે. કોર્ટમાં તપાસ એજન્સીએ ખુલાસો કર્યો કે, સિદ્દિકીએ 415 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ આચર્યું છે અને તે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો.
વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતો સિદ્દિકી
EDએ કોર્ટમાં દલીલ કરી છે કે, સિદ્દિકી દેશ છોડવાની ફિરાકમાં હતો, કારણ કે તેના પરિવારના નજીકના સભ્યો ખાડી દેશોમાં રહે છે. સિદ્દિકીની ભૂમિકા ગંભીર આર્થિક ગુનાઓ સાથે જોડાયેલી છે, તેથી તે તપાસને અસર કરી શકે છે, પુરાવા છુપાવી શકે છે અથવા રેકોર્ડ્સનો નાશ કરી શકે છે, જેના કારણે તેની કસ્ટડી જરૂરી છે.
415 કરોડથી વધુના કૌભાંડનો આરોપ
EDએ કોર્ટમાં જણાવ્યું કે, અલ ફલાહ ગ્રુપ અને તેના ટ્રસ્ટોએ ખોટા એક્રેડિટેશન અને ખોટા રેકગ્નિશનના દાવાઓના સહારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ભારે ફી વસૂલી હતી. અત્યાર સુધીમાં 415.10 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, જેનો આંકડો હજુ પણ વધી શકે છે. EDએ 14 નવેમ્બરે દિલ્હી પોલીસની બે એફઆઈઆરને આધાર બનાવીને એન્ટી મની લોન્ડ્રિંગ કેસ નોંધ્યો હતો. ED અનુસાર, અલ ફલાહ યુનિવર્સિટી યુજીસી (UGC) માન્યતા પ્રાપ્ત હોવાના અને NAAC સ્ટેટસ વેરિફાઈડ હોવાના જૂઠાણાં બોલીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હતી, જે ખોટા દાવા છે.
દિલ્હી બ્લાસ્ટ સાથે યુનિવર્સિટીનું કનેક્શન
આ સમગ્ર મામલામાં અલ ફલાહ યુનિવર્સિટીની ભૂમિકા દિલ્હીમાં થયેલા ધમાકામાં સામે આવી હતી. યુનિવર્સિટીના ત્રણ ડોકટરો વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા હતા. આમાંથી એક ડો. ઉમર નબીએ જ લાલ કિલ્લા પાસે ધમાકો કર્યો હતો. આ ઘટના બાદ જ યુનિવર્સિટીની તપાસ શરૂ થઈ હતી. આ તપાસમાં અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જવાદ અહમદ સિદ્દિકીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી. સિદ્દિકીના નિર્દેશ પર જ એડમિશન રજિસ્ટર, ફી લેજર અને એકાઉન્ટ સિસ્ટમનું સંચાલન થતું હતું.
આ પણ વાંચો : ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો








