Get The App

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી 1 - image

- એનઆઈએની ટીમે ઝડપેલો આમીર 10 દિવસના રિમાન્ડ પર

- ડૉ. ઉમર શૂ બોમ્બર હોવાની આશંકા, બૂટમાંથી ટ્રાઈએકિટોન ટ્રાઈપેરોક્સાઈડ વિસ્ફોટક મળ્યા : ફોરેન્સિક રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી : દિલ્હી હુમલાના આત્મઘાતી આતંકવાદીના વધુ એક સહયોગી આતંકવાદીની તપાસ એજન્સી એએનઆઈએ કાશ્મીરમાંથી ધરપકડ કરી છે. જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશ નામનો આ આતંકવાદીને પણ આત્મઘાતી હુમલા માટે તૈયાર કરવામાં આવતો હતો. દાનિશ રોકેટ બનાવવાનું કામ કરતો હતો. દાનિશને હુમલાની તાલીમ દિલ્હીમાં હુમલો કરનારા ઉમરે જ આપી હતી.

દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલામાં એક આરોપીની ધરપકડ થયાના વળતા દિવસે જ એએનઆઈની ટીમે શ્રીનગરમાંથી દાનિશ નામના વધુ એક આતંકીની ધરપકડ કરી હતી. દાનિશના પિતાનું નૌગામ પોલીસ સ્ટેશનના હુમલામાં દાઝી જવાથી મોત થયું હતું. એના મોત અને દાનિશની સંડોવણી વચ્ચે કડી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. દાનિશે ડ્રોન મોડીફાઈડ કરીને બોમ્બ વિસ્ફોટ પહેલાં રોકેટ બનાવવાનો પ્રયત્ન કરીને મોટા આતંકી હુમલાની તૈયારી માટે ટેક્નોલોજીની મદદ કરી હતી.

દિલ્હીમાં હુમલો કરનારો આતંકવાદી ઉમર વધુ ફિદાઈન હુમલા કરાવવાની ફિરાકમાં હતો. તેણે દાનિશને ફિદાઈન એટલે કે આત્મઘાતી હુમલાની તાલીમ આપી હતી. દાનિશ હુમલા માટે રોકેટ બનાવવાનું કામ કરી રહ્યો હતો. તપાસ એજન્સીને એવી પ્રબળ શંકા છે કે આખા આતંકવાદી મોડયૂલનું ષડયંત્ર રચાયું હતું અને સંખ્યાબંધ ફિદાઈન હુમલાનું કાવતરું ઘડાઈ રહ્યું હતું.

દરમિયાન એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે કે દિલ્હીનો હુમલો શૂ બોમ્બરથી થયો હતો. ઉમરના જૂતામાં એવા તત્વો મળ્યા છે કે જે ઈશારો કરે છે કે વિસ્ફોટ કરવા માટે ઉમરે સીટની નીચે રાખેલા શૂઝનો ઉપયોગ કર્યો હતો. એ સૂઝમાં બટન દાબીને ટાયર સુધી લગાવેલા વિસ્ફોટકો ઓપરેટ કરવામાં આવ્યા હોવા જોઈએ. આ હુમલામાં મધર ઓફ શૈતાન કહેવાય છે એવા બોમ્બનો ઉપયોગ થયો હતો. હજુ સુધી ફોરેન્સિક રિપોર્ટ આવ્યો નથી, પરંતુ એમોનિયમ નાઈટ્રેટનો હુમલામાં ઉપયોગ થયો હોય એવી શક્યતા નકારી શકાતી નથી. મૃતકોની ઓળખ માટે પણ અત્યારે ડીએનએના સેમ્પલનું પરીક્ષણ થઈ રહ્યું છે.

દરમિયાન જમ્મુ રેલવે સ્ટેશન પર હાઈએલર્ટનો આદેશ આપવામાં આવ્યો હતો. પૂંચ પોલીસ સ્ટેશને આતંકવાદીઓની માહિતી આપનારાને પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. વ્હાઈટ કોલર આતંકી મોડયૂલનો પર્દાફાશ થયા પછી પોલીસ અને લશ્કરી ટૂકડીઓએ જમ્મુ-કાશ્મીરમાં સઘન તપાસ શરૂ કરી છે. 

જમ્મુના રેલવે સ્ટેશને આવતા અને જતાં તમામ મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.