India

'મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..', દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો

By GS TEAM
20 Dec 20253 mins read
TukuTouch Logo
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ(T1) પર સુરક્ષા તપાસ દરમિયાન એક પાયલટ દ્વારા સામાન્ય મુસાફર પર હુમલો કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના કેપ્ટન વીરેન્દ્ર સેજવાલે કથિત રીતે અંકિત દીવાન નામના મુસાફર પર હુમલો કર્યો હતો, જેના કારણે મુસાફરના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટના બાદ એરલાઇને તાત્કાલિક પગલાં ભરીને આરોપી પાયલટને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..', દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો

Air India Express Pilot Assaults Passenger: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ(T1) પર સુરક્ષા તપાસ દરમિયાન એક પાયલટ દ્વારા સામાન્ય મુસાફર પર હુમલો કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના કેપ્ટન વીરેન્દ્ર સેજવાલે કથિત રીતે અંકિત દીવાન નામના મુસાફર પર હુમલો કર્યો હતો, જેના કારણે મુસાફરના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. આ ઘટના બાદ એરલાઇને તાત્કાલિક પગલાં ભરીને આરોપી પાયલટને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધો છે.


શું હતી સમગ્ર ઘટના?

પીડિત મુસાફર અંકિત દીવાન પોતાની પત્ની, 7 વર્ષની પુત્રી અને 4 મહિનાની નાની બાળકી સાથે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં વેકેશન પર જઈ રહ્યા હતા. નાની બાળકીના સ્ટ્રોલરને કારણે એરપોર્ટ સ્ટાફે તેમને 'સ્ટાફ સિક્યોરિટી લાઇન'નો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. 

અંકિતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, લાઈનમાં કેટલાક સ્ટાફ મેમ્બર્સ આગળ નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. જ્યારે અમે આ બાબતે વાંધો ઉઠાવ્યો, ત્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસના કેપ્ટન વીરેન્દ્ર સેજવાલ(જેઓ તે દિવસે ઓફ-ડ્યુટી હતા અને ઇન્ડિગોની ફ્લાઈટમાં બેંગલુરુ જઈ રહ્યા હતા) ગુસ્સે થઈ ગયા હતા. વાત એટલી વધી ગઈ કે પાયલટે અંકિત પર હાથ ઉપાડી દીધો.

અંકિતે પોતાની પોસ્ટમાં ચહેરા પર લોહીવાળો ફોટો શેર કર્યો અને લખ્યું, "મારું લોહી નીકળી આવ્યું. મારી 7 વર્ષની દીકરીએ આ બધું નજરે જોયું અને તે હજુ પણ આઘાતમાં છે.' તેમણે એમ પણ જણાવ્યું કે પાયલટના શર્ટ પર પણ તેમના લોહીના ડાઘા પડ્યા હતા.

પીડિતનો આક્ષેપ: ફરિયાદ ન કરવા માટે દબાણ કરાયું

આ ઘટના પછી અંકિતે એવો આક્ષેપ કર્યો છે કે, 'મને પરાણે એક પત્ર લખવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો, જેમાં એવું લખવાનું હતું કે હું આ મામલાને આગળ નહીં વધારું. જો હું આવું ન કરું તો મારી ફ્લાઈટ છૂટી જાય તેમ હતી અને વેકેશન માટેનું 1.2 લાખ રૂપિયાનું બુકિંગ પણ પાણીમાં જાય તેમ હતું.' તેમણે દિલ્હી પોલીસને ટેગ કરીને સવાલ ઉઠાવ્યો કે, 'શું હું પાછો આવ્યા પછી ફરિયાદ નોંધાવી શકું નહીં? શું ત્યાં સુધીમાં CCTV ફૂટેજ ગાયબ થઈ જશે?'

એરલાઇનની પ્રતિક્રિયા

એર ઈન્ડિયા એક્સપ્રેસે આ મામલે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. એરલાઈને નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, 'દિલ્હી એરપોર્ટ પર બનેલી આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. આમાં અમારો એક કર્મચારી સામેલ હતો જે બીજી એરલાઈનમાં પેસેન્જર તરીકે મુસાફરી કરી રહ્યો હતો. આ ઘટનાને કારણે જે પણ તકલીફ પડી છે તે માટે અમે દિલથી માફી માંગીએ છીએ અને આવા વર્તનને સખત વખોડીએ છીએ. સંબંધિત કર્મચારીને તાત્કાલિક અસરથી સત્તાવાર ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને પૂરી તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."

એરલાઈને વધુમાં ઉમેર્યું હતું કે, 'જ્યાં સુધી કાનૂની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે આ બાબતે જાહેરમાં કોઈ ટિપ્પણી કરીશું નહીં, પરંતુ તમે ખાતરી રાખજો કે આ મામલો પૂરેપૂરો અમારી નજરમાં છે. અમે નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે કાયદાકીય એજન્સીઓને પૂરેપૂરો સહયોગ આપવા માટે વચનબદ્ધ છીએ.'

ગંભીર સવાલ

આ ઘટનાએ એરપોર્ટ પર સ્ટાફના વર્તન અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જો કોઈ પાયલટ જમીન પર પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શકતો નથી, તો તે હજારો ફૂટની ઊંચાઈએ સેંકડો મુસાફરોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકે?