- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ફરી ઉધડો લીધો
- કોલેજિયમ કેન્દ્રને નામો મંજૂર કરવા ના કહી શકે તેવા રિજિજૂના નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્રનો ઉધડો લીધો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની નિમણુંક મુદ્દે કેન્દ્ર સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ન્યાયાધીશોના ખાલી પદો ભરવા માટે કેન્દ્ર સરકારને નામો મોકલવામાં આવ્યા છે પણ તેને હજુસુધી મંજૂર કરવામાં નથી આવ્યા કે જવાબ આપવામાં નથી આવ્યો, જેને પગલે નારાજગી વ્યક્ત કરીને ફરી કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ કે કૌલ અને એ એસ ઓકાની બેંચે કહ્યું હતું કે ત્રણ ન્યાયાધીશોની બેંચ દ્વારા એક ગાઇડલાઇન જારી કરવામાં આવી હતી જેમાં યોગ્ય સમય સુધીમાં ન્યાયાધીશોની નિમણુંક પ્રક્રિયા પૂર્ણ કરી લેવા કહ્યું હતું. ન્યાયાધીશ કૌલે કહ્યું હતું કે એવુ લાગી રહ્યું છે કે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન (એનજેએસી) એક્ટ દ્વારા મસ્ટર પાસ નથી કરવામાં આવ્યું, પણ તેનો અર્થ એ નથી થતો કે કાયદાનો અમલ ન થઇ શકે. કોલેજિયમ સિસ્ટમ કાયદો જ છે અને તેનુ સરકારે પાલન કરવું જોઇએ.
બે દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે કોલેજિયમ એવુ ના કહી શકે કે સરકાર તેના તરફથી મોકલવામાં આવેલા નામોને મંજૂર કરે. જો આવુ જ હોય તો કોલેજિયમ દ્વારા જ ન્યાયાધીશોની નિમણુંક કરી લેવી જોઇએ. કેન્દ્રીય મંત્રીના આ નિવેદન બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે કેન્દ્ર સરકાર કોલેજિયમ સિસ્ટમ છે તેનુ પાલન કરવા માટે બંધાયેલી છે અને તેણે નિયમોનું પાલન કરવું જોઇએ. અગાઉ જ્યારે સુનાવણી થઇ હતી ત્યારે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કોલેજિયમે જે નામોને મોકલ્યા છે તેને મંજૂરી નથી આપી રહી અથવા તો જો નામોથી સહમત ના હોય તો તે અંગે પણ કોઇ જ અભિપ્રાય નથી મોકલવામાં આવ્યો.


