India

દીપમ વિવાદ: સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ન પ્રગટ્યો કાર્તિગાઈ દીપમ, તમિલનાડુ સરકારે મંદિર તંત્ર પર ફોડ્યું ઠીકરું

By GS Team
25 Nov 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુના મદુરાઈમાં કાર્તિકાઈ દીપમ પર્વ પર દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવવાનો વિવાદ ઘેરો બન્યો છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી છતાં, મંદિર પ્રશાસને પરંપરાગત રીતિ-રિવાજો ટાંકી 24 નવેમ્બરે દીવો પ્રગટાવવાની મંજૂરી ન આપી. મદુરાઈના કલેક્ટર ક્રિષ્ણાએ સુપ્રીમ કોર્ટમાં પાલન અહેવાલ રજૂ કર્યો. આ મામલે હિન્દુ સંગઠનોએ કોર્ટમાં અરજી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દીપમ વિવાદ: સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ન પ્રગટ્યો કાર્તિગાઈ દીપમ, તમિલનાડુ સરકારે મંદિર તંત્ર પર ફોડ્યું ઠીકરું

Madurai Karthigai Deepam Controversy : તમિલનાડુના મદુરાઈમાં કાર્તિકાઈ દીપમ પર્વ પર દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવવાનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. સુપ્રીમ કોર્ટની મંજૂરી છતાં મંદિર પ્રશાસને પરંપરાગત ધાર્મિક રીતિ-રિવાજોનો હવાલો આપીને મંજૂરી ન આપતાં 24 નવેમ્બરે વિવાદિત સ્તંભ પર દીવો પ્રગટાવી શકાયો નહોતો. આ અંગે મદુરાઈના કલેક્ટર ક્રિષ્ણાએ સુપ્રીમ કોર્ટમાં પાલન અહેવાલ રજૂ કરીને સમગ્ર ઘટનાની જાણ કરી છે.

સુપ્રીમ કોર્ટે એક વખત દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી

મદુરાઈના તિરુપ્પરંકુંદ્રમ પહાડ પર આવેલા દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સ્તંભ નજીક એક દરગાહ આવેલી હોવાથી મામલો સંવેદનશીલ બન્યો છે. હિન્દુ સંગઠનોએ આ સ્થળે દીવો પ્રગટાવવાની પરંપરાના સમર્થનમાં કોર્ટમાં અરજી કરી હતી. 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે 24 નવેમ્બરે એક વખત માટે દીપથૂન પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. આ વ્યવસ્થા માટે મંદિર પ્રશાસન દ્વારા અધિકૃત નાની ટીમને મંજૂરી આપવામાં આવી હતી.

મંદિર પ્રશાસને પરંપરાનો હવાલો આપ્યો

કલેક્ટર ક્રિષ્ણાએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે કોર્ટના આદેશનું પાલન કરવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ મંદિર પ્રશાસને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. પ્રશાસનનું કહેવું હતું કે દીપથૂન પર દીવો પ્રગટાવવો સ્થાપિત ધાર્મિક પરંપરા અને રીતિ-રિવાજોની વિરુદ્ધ છે. પરિણામે દીવો માત્ર ઉચિપિલ્લૈયાર મંદિર નજીકના પરંપરાગત દીપ મંડપમાં જ પ્રગટાવવામાં આવ્યો હતો.

અરજદારે સરકાર સામે અવમાનનાની કાર્યવાહી માગી

મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરનારા રામા રવિકુમારે તમિલનાડુ સરકાર પર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારે કોર્ટના આદેશનું પાલન કરવાની ખાતરી આપી હોવા છતાં દીપથૂન પર દીવો પ્રગટાવવામાં આવ્યો નથી. તેમણે મંદિરના ટ્રસ્ટીઓનો ઉપયોગ કરીને દીવો પ્રગટાવવાથી રોકવામાં આવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો અને અવમાનનાની કાર્યવાહી કરવાની માગ કરી હતી.

સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અવમાનનાની કાર્યવાહી ન કરી

સુપ્રીમ કોર્ટે પોતાની તરફથી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, અરજદારોને આ અંગે અલગથી અરજી દાખલ કરવા જણાવ્યું હતું. અરજી દાખલ થયા બાદ જરૂર જણાશે તો યોગ્ય આદેશ આપવામાં આવશે તેમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

તિરુપ્પરંકુંદ્રમ પહાડ પર સુરક્ષા વધારાઈ

આ વિવાદ વચ્ચે બુધવારે પણ તિરુપ્પરંકુંદ્રમ પહાડની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. સતત બીજા દિવસે શ્રદ્ધાળુઓ અને સામાન્ય લોકોને પહાડ પર જવાની મંજૂરી આપવામાં આવી નહોતી. 23 નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી જાહેર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પહાડ તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવીને સ્થાનિક રહેવાસીઓ સિવાયના લોકોની અવરજવર નિયંત્રિત કરવામાં આવી હતી.