દીકરીઓએ અપમાન કર્યું તો સૈન્યમાંથી નિવૃત્ત પિતાએ 4 કરોડની સંપત્તિ મંદિરમાં કરી દાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Retired Army Man Donated Property To Temple: તમિલનાડુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક નિવૃત પિતા પોતાની દીકરીઓના અપમાનથી એટલા તંગ આવી ગયા કે, તેમણે પોતાની 4 કરોડની સંપત્તિ એક મંદિરમાં દાન કરી દીધી છે. હવે પિતાના આ પગલા બાદ દીકરીઓ સંપત્તિ પાછ મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. આ ઘટના તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લાની છે. સૈન્યમાંથી નિવૃત્ત કર્મચારી એસ. વિજયન પોતાની દીકરીઓના અપમાનથી એટલા દુઃખી થયા કે તેમણે આ પગલું ભરી દીધું.
સૈન્યમાંથી નિવૃત્ત 4 કરોડની સંપત્તિ મંદિરમાં કરી દાન
અરુલમિગુ રેણુગમ્બાલ અમ્મન મંદિર પ્રશાસને જણાવ્યું કે, 24 જૂનના રોજ જ્યારે મંદિરની દાનપેટી ખોલવામાં આવી ત્યારે સિક્કા અને નોટો સાથે બે મૂળ સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. એક સંપત્તિની કિંમત 3 કરોડ રૂપિયા અને બીજી 1 કરોડ રૂપિયા હતી. આ સાથે જ એક પત્ર પણ હતો જેમાં વિજયને સ્પષ્ટ લખ્યું હતું કે, 'મેં આ સંપત્તિ સ્વેચ્છાએ મંદિરને સમર્પિત કરી છે.'
દીકરીઓ સંપત્તિ સોંપવા માટે દબાણ કરી રહી હતી
વિજયન અરની કેશવપુરમ ગામના નિવાસી છે. તેમને રેણુગમ્બાલ અમ્મનના કટ્ટર ભક્ત માનવામાં આવે છે. મંદિર અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી એકલા રહેતા હતા. તેમનો તેમના પત્ની સાથે મતભેદ હતો. તાજેતરના મહિનાઓમાં તેમની દીકરીઓ તેમના પર સંપત્તિ સોંપવા માટે દબાણ કરી રહી હતી અને રોજિંદી જરૂરિયાતો માટે પણ તમને ટોણો મારીને તેમનું અપમાન કરી રહી હતી.
વિજયને કહ્યું કે, 'મારા બાળકો મારા પોતાના ખર્ચા માટે પણ મારું અપમાન કરે છે. હવે હું આ સંપત્તિ એ દેવીને સોંપી રહ્યો છું જેણે મને જીવનભર સંભાળ્યો છે.'
શું વિજયનની સંપત્તિ મંદિરની થઈ જશે?
મંદિરના કાર્યકારી અધિકારી એમ. સિલમ્બરાસને જણાવ્યું હતું કે, માત્ર દસ્તાવેજો દાન પેટીમાં મૂકવાને કાયદેસર રીતે સંપત્તિનું હસ્તાંતરણ ન માની શકાય. જ્યાં સુધી દાતા નોંધણી વિભાગમાં યોગ્ય રીતે નોંધણી ન કરાવે ત્યાં સુધી મંદિરને કાયદેસર અધિકારો નહીં મળશે. તેથી હાલમાં આ દસ્તાવેજો હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ પાસે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ આ અંગે નિર્ણય લેશે કે, તેને કેવી રીતે આગળ વધારવું.
કઈ સંપત્તિ દાનમાં છે?
મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે, દાન કરવામાં આવેલી સંપત્તિમા મંદિરની નજીક 10 સેન્ટ જમીન આવેલી છે. એક માળનું ઘર, જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો: ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : સીજેઆઈ
દીકરીઓ સંપત્તિ પાછી મેળવવા માટે કરી રહી પ્રયાસ
હવે જ્યારે આ મામલો જાહેર થઈ ગયો છે, ત્યારે વિજયનની દીકરીઓ કથિત રીતે સંપત્તિ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ વિજયને સ્પષ્ટ કહી દીધું છે કે, 'હું મારા નિર્ણયથી પીછેહઠ નહીં કરું. હું મંદિર સાથે વાત કરીને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીશ.'








